મુંબઈ
લખનઉ સુપર જાયન્ટ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચેની મેચમાં લખનઉના કેપ્ટન કેએલ રાહુલને ડબલ ઝટકો લાગ્યો છે. એકબાજુ ટીમને હારનો સામનો કરવો પડ્યો છે, તો બીજીબાજુ રાહુલ પર આઇપીએલ કમિટીએ દંડ ફટકારી દીધો છે. રાહુલ ઉપરાંત લખનઉના ઓલરાઉન્ડર માર્કસ સ્ટૉઇનિસને પણ આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ ઠપકો આપવામાં આવ્યો છે. લખનઉના કેપ્ટન કેએલ રાહુલ પર આઇપીએલ કૉડ ઓફ કન્ડક્ટનુ ઉલ્લંઘન કરવાના મામલે મેચ ફીનો ૨૦ ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. મંગળવારે નવી મુંબઇ ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં બેંગ્લૉર વિરુદ્ધ લખનઉને ૧૮ રનથી હારનો સામનો કરવો પડ્યો. આ પછી ટીમ પૉઇન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર આવી ગઇ છે. મેચમાં લખનઉની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. ત્યારબાદ બેંગ્લોરની ટીમે ૬ વિકેટ ગુમાવીને ૧૮૧ રન બનાવ્યા હતા. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ૬૪ બોલમાં ૯૬ રન બનાવ્યા હતા. શાહબાઝ અહેમદે ૨૬ અને ગ્લેન મેક્સવેલે ૨૩ રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉની ટીમ ૮ વિકેટે ૧૬૩ રન જ બનાવી શકી અને ૧૮ રનથી મેચ હારી ગઈ. કૃણાલ પંડ્યાએ ૨૮ બોલમાં ૪૨ અને કેપ્ટન કેએલ રાહુલે ૨૪ બોલમાં ૩૦ રન બનાવ્યા હતા. જાેશ હેઝલવુડે ૪ વિકેટ ઝડપી હતી.
