મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના કેસમાં, મહારાષ્ટ્ર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રિમ કોર્ટે અનિલ દેશમુખ સામે તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવાની મહારાષ્ટ્રની અરજીને ફગાવી દીધી છે. મહારાષ્ટ્ર સરકારનો આરોપ છે કે સીબીઆઈ તપાસ ન્યાયી નથી. રાજ્ય સરકારની દલીલ એવી હતી કે સીબીઆઈ ડાયરેક્ટર એસ.કે. જયસ્વાલ, રાજ્યના ડીજીપી રહી ચૂક્યા છે. તેથી તેમના નેતૃત્વ હેઠળની તપાસ નિષ્પક્ષ રહી શકે નહીં. અગાઉ આ અરજી બોમ્બે હાઈકોર્ટે પણ ફગાવી દીધી હતી. હાઈકોર્ટના ર્નિણયને મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. મહારાષ્ટ્ર સરકારે હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારની તે અરજીને ફગાવી દીધી હતી. જેમાં પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનની તપાસ અને સ્વતંત્ર સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચનાના સંદર્ભમાં જાહેર કરાયેલા સમન્સને રદ કરવાની વિનંતી કરવામાં આવી હતી. આ વર્ષની શરૂઆતમાં દાખલ કરવામાં આવેલી આ અરજીમાં મહારાષ્ટ્ર સરકારે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવાની વિનંતી કરી હતી. આ અરજીમાં, મહારાષ્ટ્ર સરકારે ભૂતપૂર્વ મુખ્ય સચિવ સીતારામ કુંટે અને વર્તમાન પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) સંજય પાંડેને કરાયેલા સીબીઆઈ સમન્સને રદ કરવાની પણ વિનંતી કરી હતી. તપાસ એજન્સીએ દેશમુખને તેમના સંબંધિત પ્રશ્નોના જવાબ આપવા માટે દિલ્હીમાં રિપોર્ટ કરવા માટે બોલાવ્યા હતા. સીબીઆઈ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા દેશમુખ સામે ગેરવર્તણૂક અને ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરી રહી છે. સીબીઆઈના વકીલ એડિશનલ સોલિસિટર જનરલ અમન લેખીએ ખંભાતાની દલીલોનો વિરોધ કર્યો અને કહ્યું કે એજન્સીની તપાસમાં કોઈ ગેરરીતિ થઈ નથી. તેમણે કહ્યું કે દેશમુખની તપાસ જયસ્વાલના કારણે નહીં, પરંતુ ૫ એપ્રિલના બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ થઈ રહી છે. દેશમુખે એપ્રિલ ૨૦૨૧માં ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. ગયા મહિને (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-ઇડી)એ એક કેસમાં તેની ધરપકડ કરી હતી. હાલમાં તેઓ ન્યાયિક કસ્ટડીમાં છે.