મુંબઇ
રોહિત શેટ્ટીએ રણવીર, દીપિકા તથા જેક્લિન જેવા કલાકારોને બનાવેલી ફિલ્મ ‘સરકસ’ મહાબોરિંગ અને બકવાસ હોવાનો ચુકાદો લોકોએ આપ્યો છે. ફિલ્મ સાવ કચરો નીકળતાં ટિકીટ બારી પર તે પહેલા જ દિવસે પટકાઈ હતી. બોલીવૂડના મોટાભાગના સમીક્ષકોએ ફિલ્મને નબળું રેટિંગ આપ્યું છે. સોશિયલ મીડિયા પર પણ લોકોએ આ ફિલ્મની ભારે ઝાટકણી કાઢી હતી. લોકોએ કહ્યું હતું કે ભૂતકાળમાં અનેક હિટ ફિલ્મો આપી ચુકેલા રોહિત શેટ્ટીની કારકિર્દીની અત્યાર સુધીની આ સૌથી બકવાસ ફિલ્મ છે. કેટલાકે તો ફિલ્મ જાેવામાં પોતાના પૈસા પડી ગયાનું જણાવી તે પાછા પણ માગ્યા હતા. રણવીરના ચાહકો પણ ફિલ્મથી નિરાશ થયા હતા. રણવીર જેવો સ્ટાર આવી વાહિયાત ફિલ્મ સ્વીકારી જ કેમ શકે તેવો સવાલ તેના ચાહકોએ ઉઠાવ્યો હતો. આશરે ૧૦૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ ૨૦૨૨માં છેલ્લે છેલ્લે પણ બોલીવૂડને મોટો ઝટકો આપી જાય તેવી સંભાવના છે. ટ્રેડ સૂત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ સાવ કંગાળ રહ્યું છે અને હવે નેગેટિવ માઉથ પબ્લિસિટીને લીધે ફિલ્મ ઊંચકાય તેવી કોઈ સંભાવના નથી. મોટાભાગના લોકો નાતાલની રજાઓ દરમિયાન હોલીવૂડની અવતાર ફિલ્મ માણે તેવી સંભાવના છે.
