મુંબઈ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે તાજેતરમાં શ્રીલંકા સામેની વન-ડે શ્રેણીમાં કરેલા શાનદાર દેખાવને પગલે તેના રેન્કિંગમાં સુધારો થયો છે. આ ઉપરાંત વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાના રેન્કિંગમાં ફાયદો થયો છે. હરમનપ્રીત કૌરે શ્રીલંકા સામેની ત્રણ વન-ડે શ્રેણીમાં ૫૯.૫૦ની એવરેજથી ૧૧૯ રન કર્યા હતા તેમજ ત્રણ વિકેટ પણ ઝડપતા તે પ્લેયર ઓફ ધ સિરીઝ રહી હતી. આઈસીસી વિમેન્સ રેન્કિંગમાં બેટર્સની યાદીમાં હરમનપ્રીત એક સ્થાન આગળ વધીને ૧૩માં ક્રમે રહી હતી. જ્યારે સ્મૃતિ મંધાનાએ પણ ૫૨ની એવરેજથી ૧૦૪ રન કર્યા હતા. મંધાના એક ક્રમના સુધારા સાથે ટોપ ૧૦માં નવમાં ક્રમે રહી હતી. આ ઉપરાંત અન્ય ભારતીય બેટર્સ જેમના ક્રમાં સુધારો થયો તેમાં શેફાલી વર્મા (૩૩), યાસ્તિક ભાટિયા (૪૫) અને પૂજા વસ્ત્રાકર (૫૩)માં ક્રમે રહી હતી. તેમના રેન્કિંગમાં અનુક્રમે ત્રણ, એક અને આઠ ક્રમનો સુધારો થયો હતો. આ ઉપરાંત બોલર્સની યાદીમાં રાજેશ્વરી ગાયકવાડ ત્રણ સ્થાનના લાભ સાથે સંયુક્ત રીતે નવમાં ક્રમે રહી હતી. મેઘના સિંહ ચાર ક્રમના સુધારા સાથે ૪૩માં અને પૂજા વસ્ત્રાકર બે સ્થાનના ફાયદા સાથે ૪૮માં ક્રમે રહી હતી. ભારતની સીનિયર બોલર ઝુલન ગોસ્વામી તાજેતરમાં શ્રીલંકા સામેની શ્રેણીમાં રમી નહતી તેમ છતાં તે છઠ્ઠા ક્રમે યથાવત્ રહી હતી. બેટર્સની યાદીમાં ઓસ્ટ્રેલિયાની એલિસા હીલી ટોચના ક્રમે હતી તેમજ ઈંગ્લેન્ડની નતાલી સ્કીવર બીજા ક્રમે હતી. દરમિયાન બોલિંગમાં ઈંગ્લેન્ડની સોફી એક્લેસ્ટોન અને સાઉથ આફ્રિકાની શબનમ ઈસ્માઈલ અનુક્રમે ટોચની બે બોલર્સ રહી હતી.


