મુંબઇ
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અનિલ દેશમુખને ઈડીના મની લોન્ડરિંગ કેસમાં જામીન મળી ગયા છે. એનસીપી નેતા અનિલ દેશમુખને આજે એટલે કે મંગળવારે બોમ્બે હાઈકોર્ટ દ્વારા ઈડીના મની લોન્ડરિંગ કેસમાં જામીન મળ્યા છે. અનિલ દેશમુખની પીએમએલએ કાયદા હેઠળ ૨ નવેમ્બરે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ૧૧ મહિના પછી બોમ્બે હાઈકોર્ટે તેમને ઈડી કેસમાં જામીન આપ્યા હતા. તેમને ૧ લાખ રૂપિયાના અંગત બોન્ડ પર શરતી જામીન આપવામાં આવ્યા છે. પરંતુ તેમને પાસપોર્ટ જમા કરાવવા અને તપાસમાં દખલ ન કરવા અને પૂછપરછમાં સહકાર આપવા કહેવામાં આવ્યું છે. બોમ્બે હાઈકોર્ટના આ ર્નિણય સામે ઈડી સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યું છે. ઈડી આ આદેશ પર સુપ્રીમ કોર્ટ પાસે ૧૩ ઓક્ટોબર સુધી સ્ટે માંગશે. દેશમુખના વકીલે જણાવ્યું કે ઈડીએ હાઈકોર્ટમાં ૧૩ ઓક્ટોબર સુધી જામીન પર સ્ટે મૂકવાની અપીલ પણ કરી હતી. પરંતુ એમકે જામદારની ડિવિઝન બેન્ચે ઈડીની આ અપીલને ફગાવી દીધી હતી. જસ્ટિસ એમકે જમાદારની ડિવિઝન બેંચ સમક્ષ ચાલી રહેલી સુનાવણીમાં અનિલ દેશમુખના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે દેશમુખે પોલીસ અધિકારી સચિન વાજે મારફતે રૂ. ૧૦૦ કરોડ ચૂકવ્યા હોવાના આરોપને સમર્થન આપવા માટે ઈડ્ઢ તપાસમાં કોઈ નક્કર પુરાવા નથી. સચિન વાજે સતત પોતાના નિવેદનો બદલી રહ્યા છે. તેથી તેમના નિવેદન પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. આ સિવાય અનિલ દેશમુખની ઉંમર પણ ૭૩ વર્ષની છે અને તેઓ ઘણી બીમારીઓથી પીડિત છે. ૨૯ ડિસેમ્બરે ઈડીએ અનિલ દેશમુખ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. ઈડી કેસમાં અનિલ દેશમુખને જામીન મળી ગયા છે, પરંતુ સીબીઆઇ કેસમાં દેશમુખના વકીલ હવે મુંબઈની સેશન્સ કોર્ટમાં જામીન માટે અપીલ કરશે. દેશમુખના વકીલનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટમાં જામીન મેળવવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. કારણ કે તેમની સામેના આરોપની તરફેણમાં પુરાવા મજબૂત નથી. સીબીઆઇ કેસની સુનાવણી ૧૩ ઓક્ટોબરે થશે. જાે આમાં પણ રાહત મળશે તો અનિલ દેશમુખ માટે મુંબઈની આર્થર રોડ જેલમાંથી બહાર આવવાનો માર્ગ ખુલશે, ત્યાં સુધી તેણે જ્યુડિશિયલ કસ્ટડીનો સમય જેલમાં જ પસાર કરવો પડશે.

