મુંબઇ
કેન્દ્ર સરકારના મંત્રી રાવસાહેબ દાનવેએ સંકેત આપ્યા છે કે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બની શકે છે.જાે મહારાષ્ટ્રમાં આઘાડીની સરકાર પડી તો તેનો સીધો ફાયદો ભાજપને થશે. ભાજપ બળવાખોર ધારાસભ્યો અને અન્યોની મદદથી રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકશે. જાે કે, રાજ્યમાં ભાજપ કેવી રીતે સરકાર બનાવશે તે મોટો પ્રશ્ન છે. નવી સરકાર માટે બળવાખોર ધારાસભ્યો પાસે કયા વિકલ્પો ઉપલબ્ધ છે? મહારાષ્ટ્રમાં ભાજપ માટે આ સંભવિત વિકલ્પો છે.
ભાજપ પાસે પહેલાથી જ ૧૦૬ બેઠકો છે. આવી સ્થિતિમાં, જાે ભાજપને શિવસેનાના ૩૮ બળવાખોર ધારાસભ્યોનું સમર્થન મળે છે અને રાજ્યની વિવિધ નાની પાર્ટીઓનું સમર્થન મળે છે, તો ભાજપ સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. ડિફેક્શન એક્ટ એમેન્ડમેન્ટ ૨૦૦૩ મુજબ શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ભાજપની સરકાર બનાવવા માટે બે રીતે સમર્થન આપી શકે છે. પ્રથમ, શિવસેનાથી અલગ થયેલા ધારાસભ્યોનો અલગ જૂથ બનાવીને તેઓ ભાજપને સમર્થન આપીને સરકાર બનાવી શકે છે. બીજાે વિકલ્પ એ છે કે શિવસેનાના બળવાખોર ધારાસભ્યો તેમના જૂથને ભાજપમાં ભળી દે, જાેકે એકનાથ શિંદેએ બળવાખોર ધારાસભ્યોના વિલીનીકરણને સ્પષ્ટપણે નકારી કાઢ્યું છે.
