મુંબઈ
લાંબી રાહ અને અટકળો બાદ આખરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના આઇપીએલ ૨૦૨૨ માટે નવા કેપ્ટનની જાહેરાત કરવામાં આવી છે. આરસીબીએ શનિવારે ૧૨ માર્ચે ફાફ ડુ પ્લેસિસને આરસીબીનો કેપ્ટન બનાવ્યો હતો. ડુ પ્લેસિસે વિરાટ કોહલીનું સ્થાન લીધું, જે સતત આઠ સિઝન સુધી ટીમનો સુકાની હતો, પરંતુ ગત સિઝન બાદ તેમે કેપ્ટનશિપ છોડી દીધી હતી. આરસીબી અને ટીમના ચાહકોને દક્ષિણ આફ્રિકાનું નેતૃત્વ કરનાર ફાફ ડુ પ્લેસિસ પાસેથી ઘણી આશા છે. જાે કે, ૧૦ વર્ષ સુધી આઈપીએલમાં એમએસ ધોનીની કેપ્ટનશીપમાં રમનાર ડુપ્લેસીનું માનવું છે કે તેની કેપ્ટનશિપની પદ્ધતિ પણ ધોની જેવી છે. એટલે કે હવે આરસીબીમાં પણ ‘કેપ્ટન કૂલ’ની એન્ટ્રી થઈ ગઈ છે. સતત ૮ વર્ષ સુધી વિરાટ કોહલીના રૂપમાં આક્રમક અને જુસ્સાદાર કેપ્ટનનું નેતૃત્વ જાેયા બાદ હવે આરસીબી અલગ પ્રકારની કેપ્ટનશીપ જાેશે. ફાફ ડુ પ્લેસીસ આ માટે તૈયાર છે. ડુ પ્લેસિસને આરસીબીએ હરાજીમાં રૂ. ૭ કરોડની મોટી કિંમતે ખરીદ્યો હતો અને તેને ખરીદવા પાછળનું એક મુખ્ય કારણ તેનો કેપ્ટન તરીકેનો અનુભવ હતો. દક્ષિણ આફ્રિકાની ટીમનું સુકાન સંભાળી ચૂકેલા ડુ પ્લેસિસે પોતાને ધોની જેવો શાંત મિજાજનો કેપ્ટન ગણાવ્યો છે. ૩૭ વર્ષીય દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસે પોતાની નિમણૂક બાદ આરસીબીને આપેલા ઈન્ટરવ્યુમાં કેપ્ટનશિપ વિશે વાત કરી હતી. તેઓએ કહ્યું, “હું ભાગ્યશાળી છું કે ક્રિકેટની મારી સફરમાં કેટલાક મહાન કેપ્ટન સાથે રમ્યો છું. હું ગ્રીમ સ્મિથ સાથે રમીને મોટો થયો છું જે દક્ષિણ આફ્રિકાનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ કેપ્ટન છે. પછી એમએસ ધોની અને સ્ટીફન ફ્લેમિંગ સાથે પણ ૧૦ વર્ષ, બંને મહાન કેપ્ટન. મને લાગે છે કે એમએસ અને મારી કેપ્ટનશીપમાં સમાનતા છે કારણ કે અમે બંને ખૂબ જ શાંત વ્યક્તિત્વ ધરાવીએ છીએ.” ડુ પ્લેસીસે એમ પણ કહ્યું કે ધોનીની કેપ્ટનશીપમાં રમ્યા બાદ તેને ખબર પડી કે કેપ્ટનશિપની અલગ-અલગ પદ્ધતિઓ છે. ડુ પ્લેસિસે કહ્યું, “મારા માટે રસપ્રદ વાત એ છે કે જ્યારે મેં ચેન્નાઈથી શરૂઆત કરી હતી, ત્યારે દક્ષિણ આફ્રિકામાં કેપ્ટન્સી કલ્ચરને જાેતા મને એમએસ બિલકુલ વિરુદ્ધ લાગ્યો હતો અને જ્યારે હું અહીં આવા વાતાવરણમાં આવ્યો ત્યારે મેં જે વિચાર્યું હતું, તે સાવ અલગ જ હતો. . મને ફરી ખબર પડી કે સુકાની બનવાના અલગ-અલગ રસ્તા હોઈ શકે છે, પરંતુ તમારી પોતાની રીત હોવી જરૂરી છે. કારણ કે જ્યારે દબાણ આવે છે, ત્યારે પોતાની પદ્ધતિ મદદ કરે છે.” દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ સુકાનીએ સ્પષ્ટ કર્યું કે તેની કેપ્ટનશીપ અને ધોનીની કેપ્ટનશીપમાં સમાનતા છે, પરંતુ તે તેના જેવી કેપ્ટનશીપ કરવાનો પ્રયાસ કરી શક્યો નથી. એટલા માટે હું વિરાટ કોહલીની કેપ્ટનશીપની શૈલી અપનાવી શકતો નથી કારણ કે હું વિરાટ કોહલી નથી. હું એમએસ ધોની જેવો કેપ્ટન બનવાનો પ્રયાસ પણ કરી શકતો નથી. પરંતુ મેં કેટલીક બાબતો શીખી છે જેનાથી મારી કેપ્ટનશિપની શૈલીમાં મદદ મળી. હું આ પ્રવાસ માટે આભારી છું.”