મુંબઈ
રણવીર સિંહની પાસે સંખ્યાબંધ પ્રોજેક્ટ્સ છે અને તેની સંખ્યા સતત વધી રહી છે. થોડા દિવસ અગાઉ રિપોર્ટ્સ હતા કે, રાજ કોમિક્સના ફેમસ કેરેક્ટર નાગરાજ આધારિત સુપર હીરો ફિલ્મમાં તે લીડ રોલ કરશે. કરણ જાેહર આ ફિલ્મ બનાવવા માગતા હતા અને તેના માટે તોતિંગ બજેટ પણ નક્કી થયુ હતું. જાે કે રણવીર સિંહનું નામ શક્તિમાન સાથે જાેડાયું છે અને તેની સીધી અસર નાગરાજ પર પડી રહી છે. કરણ જાેહરે નાગરાજ માટે સ્ટાર અને બજેટ વિચારીને રાખ્યા હતા, પરંતુ કામ શરૂ થયું ન હતું. બીજી બાજુ શક્તિમાનની તૈયારીઓ પૂર જાેશમાં ચાલી રહી છે. રણવીર સિંહ શક્તિમાન સાઈન કરે તો નાગરાજમાં અન્ય વિકલ્પ શોધવો પડશે. એક જ એક્ટરને બે સુપરહીરો કેરેક્ટર ભજવતા જાેવાનું ઓડિયન્સને પસંદ આવી શકે નહીં. શક્તિમાન હિટ બ્લોકબસ્ટર બને તો નાગરાજના કેરેક્ટરમાં રણવીરના બદલે અન્ય સ્ટારની પસંદગી કરવી પડે. રિતિક રોશને ક્રિશનો રોલ કર્યો હતો અને હવે સ્થિતિ એ છે કે રિતિકને અન્ય સુપરહીરોનો રોલ મળતો નથી. ડાયરેક્ટર રોહિત ધવને રિતિક સાથે સુપરહીરો ફિલ્મ પ્લાન કરી હતી, પરંતુ તે આગળ વધી શકી નથી. રિતિક રોશનને લાગ્યું હતું કે, અન્ય સુપરહીરોનો રોલ કરવા જતાં ક્રિશને ડેમેજ થઈ શકે છે. રણવીરના કેસમાં પણ રિતિક જેવું કન્ફ્યુઝન છે અને તેથી જ શક્તિમાન છે ત્યાં સુધી રણવીર માટે નાગરાજનો ઓપ્શન બંધ છે.


