મુંબઈ
પંજાબી સિંગર અને કોંગ્રેસના નેતા સિદ્ધુ મૂસેવાલાની અંધાધૂંધ ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી. આ હત્યાકાંડની જવાબદારી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરારે લીધી છે. અત્રે જણાવવાનું કે પંજાબ પોલીસના ચીફ વી કે ભવરાએ પણ મૂસેલવાલા હત્યાકાંડમાં લોરેન્સ બિશ્નોઈનું નામ લીધુ છે. તેમણે કહ્યું કે સિંગરની હત્યા આપસી અદાવતનું પરિણામ લાગે છે. સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ હવે લોરેન્સ બિશ્નોઈ ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે લોરેન્સ બિશ્નોઈ એક કુખ્યાત બદમાશ છે અને તેની ગેંગના સભ્યો પંજાબ ઉપરાંત દિલ્હી, હરિયાણા, હિમાચલ અને રાજસ્થાન જેવા રાજ્યમાં પણ છે. લોરેન્સ બિશ્નોઈનો એક એક્સક્લુઝિવ વીડિયો મળ્યો છે જેમાં તેની ગેંગના અનેક સભ્યો જાેવા મળે છે. આ વીડિયો ૨૦૨૧નો છે. જ્યારે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે બિશ્નોઈ અને તેની ગેંગના અન્ય રાજ્યોના સભ્યોને મકોકા કેસમાં રિમાન્ડ પર લીધા હતા. આ તમામ ગેંગસ્ટર હરિયાણા, પંજાબ, હિમાચલ, દિલ્હી, રાજસ્થાન પોલીસ માટે માથાનો દુઃખાવો બની બેઠા છે. કારણ કે જેલમાંથી પણ તેઓ પોતાનું નેટવર્ક અન્ય રાજ્યોમાં ચલાવી રહ્યા છે. લોરેન્સ બિશ્નોઈ હાલ તો દિલ્હીની તિહાડ જેલમાં છે. પરંતુ આમ છતાં ત્યાંથી પણ તે પોતાની ગેંગ ઓપરેટ કરતો જાેવા મળે છે. વર્ષ ૨૦૧૮માં લોરેન્સ બિશ્નોઈએ જેલમાં રહેવા દરમિયાન બોલીવુડ અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. લોરેન્સ બિશ્નોઈ ગેંગના અન્ય ગેંગસ્ટર સંપત નહેરાએ સલમાનના ગેલેક્સી અપાર્ટમેન્ટવાળા ઘરની રેકી પણ કરી હતી. પરંતુ ઘટનાને અંજામ આપે તે પહેલા જ હરિયાણા પોલીસે તેની ધરપકડ કરી હતી.