મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રથી અત્યંત મહત્વના સમાચાર આવ્યા છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહાવિકાસ આઘાડી સરકાર વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી શકે છે. આ સંકેત શિવસેનાના સાંસદ સંજય રાઉતે આપ્યા છે. સાંસદ અને શિવસેના નેતા સંજય રાઉતે ટ્વીટ કરીને કહ્યું છે કે “મહારાષ્ટ્રમાં હાલનો રાજકીય ઘટનાક્રમ વિધાનસભા ભંગ થવા તરફ જઈ રહ્યો છે.” વાત જાણે એમ છે કે શિવસેના નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે. તેમનો દાવો છે કે તેમની સાથે ૪૦ વિધાયકો છે. હજુ પણ કેટલાક વિધાયકો શિંદે તરફ ઝૂકી શકે છે. અત્રે જણાવવાનું કે આ સમગ્ર મામલે અગાઉ શિવસેના નેતા સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે એકનાથ શિંદેને મિત્ર ગણાવ્યા. તેમણે કહ્યું કે અમારી સતત તેમની સાથે વાત થઈ રહી છે અને અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. આ સાથે જ તેમણે કહ્યું કે અમારી પ્રતિષ્ઠા વધુ મહત્વની છે. વધુમાં વધુ અમારી સત્તા જશે પરંતુ પ્રતિષ્ઠા સૌથી ઉપર છે. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી આદિત્ય ઠાકરેએ રાજકીય ઉથલપાથલ વચ્ચે ટિ્વટર પર પોતાના બાયોમાંથી મંત્રીપદ હટાવી દીધુ છે જેને જાેતા અટકળો વધી ગઈ છે. આ બધા ઘટનાક્રમ વચ્ચે હવે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ધારાસભ્યોને મુંબઈ બોલાવ્યા છે. ભાજપે પોતાના તમામ ધારાસભ્યોને મુંબઈમાં ભેગા થવા જણાવ્યું છે. તેની પાછળનું કારણ એ છે કે જાે રાજ્યપાલ દ્વારા વિશેષસત્ર બોલાવવામાં આવે તો તમામ વિધાયકો વિધાનસભામાં હાજર રહેવા જરૂરી છે. આથી ભાજપે આદેશ બહાર પાડીને તમામ ધારાસભ્યોને મુંબઈ પહોંચવાનો આદેશ આપ્યો છે. મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે બુધવારે કહ્યું કે પાર્ટીએ ભાજપ સાથે પોતાના સંબંધો મજબૂત કરવા જાેઈએ. સરનાઈકે કહ્યું કે મે પહેલા પણ વિચારી રાખ્યું હતું કે શિવસેનાએ ભાજપ સાથે જવું જાેઈએ. અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની ગઠબંધન સરકાર છે. બળવાખોર વિધાયકોનો આંકડો હવે ૪૨ પર પહોંચ્યો હોવાનું પણ કહેવાય છે.