મુંબઈ
બૉયકોટ ટ્રેન્ડની વચ્ચે બોલિવૂડને ઉગારવા માટે સાઉથના સ્ટાર્સની મદદ લેવાઈ રહી છે અને સાઉથના સ્ટાર્સ પણ બોલિવૂડના દમ પર ફિલ્મોને હિટ કરાવવા મથી રહ્યા છે. તેલુગુ ઈન્ડસ્ટ્રીના મેગા સ્ટાર ગણાતા ચિરંજીવીની ફિલ્મ ગોડફાધર ૫ ઓક્ટોબરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં સલમાન ખાનનો કેમિયો પણ છે. બે મોટા સ્ટાર્સ હોવા છતાં તેલુગુ ટેરિટરીમાં ફિલ્મની રિલીઝના રાઈટ્સ ખરીદવા કોઈ તૈયાર નથી. ૨૨મી ઓગસ્ટે ચિરંજીવીના બર્થ ડે પર મેકર્સે ગોડફાધરનું ટ્રેલર રિલીઝ કર્યું હતું. ટૂંક સમયમાં જ આ ટ્રેલર ચાર્ટ પર ટ્રેન્ડ થવા માંડ્યુ હતું. ટ્રેલરમાં સલમાન ખાનનો સ્પેશિયલ કેમિયો પણ હતો. ટ્રેલરને સુપરહિટ રિસ્પોન્સ મળ્યો હોવાથી મેકર્સ ખુશ હતા, પરંતુ રિલીઝની તારીખ નજીક આવી હોવા છતાં તેલુગુ માર્કેટ માટે ડિસ્ટ્રિબ્યુટર્સ મળતા નથી. થીયેટર રાઈટ્સ માટે મેકર્સે રૂ.૮૫ કરોડની કિંમત મૂકી છે. કેટલાક ડિસ્ટ્રિબ્યુટર્સ સાથે વાતચીત પણ થઈ પરંતુ તેમને આ કિંમત વધારે લાગી હતી. જેના કારણે હજુ તેના રાઈટ્સ વેચાયા નથી. ફિલ્મને ૫ ઓક્ટોબરે રિલીઝ કરવાની છે ત્યારે માસ એન્ટરટેઈનર ચિરંજીવી અને સુપર સ્ટાર સલમાનની ફિલ્મ માટે જાેવા મળતી ઉદાસીનતા આશ્ચર્યજનક છે. મોહનલાલની મલયાલી ફિલ્મ લુસિફરની ઓફિશિયલ રીમેક તરીકે ગોડફાધર બની રહી છે. ફિલ્મ માટે ઉદાસીનતાનું મુખ્ય કારણ સ્ક્રિપ્ટની પસંદગી કહેવાય છે અને ચિરંજીવીએ નબળી સ્ક્રિપ્ટ પસંદ કરી હોવાની ચર્ચા છે. વળી, તેમની છેલ્લી રિલીઝ આચાર્ય પણ બોક્સ ઓફિસ પર પછડાઈ હતી. ચિરંજીવી અને તેમના દીકરા રામ ચરણની ફિલ્મને એવા સમયે ઓડિયન્સે જાકારો આપ્યો હતો જ્યારે ઇઇઇના કારણે ચારે બાજુ રામ ચરણની વાહ વાહ થતી હતી. આચાર્યમાં ડિસ્ટ્રિબ્યુટર્સને જંગી ખોટ ગઈ હતી અને તેના કારણે ગોડફાધરના રાઈટ્સ ખરીદવામાં ઝાઝો રસ બતાવતા નથી.


