મુંબઈ
બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના ટાઉન પોલીસ સ્ટેશનમાં પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરના ચાહક સુધીર કુમારને એક પોલીસકર્મીએ માર માર્યો હતો. સુધીરે મુખ્ય મહેમાન બનીને જે ટાઉન પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યુ હતુ, એ જ પોલીસ સ્ટેશનના એક પોલીસકર્મીએ તેને અપશબ્દો કહ્યા અને પછી માર માર્યો. પોલીસકર્મીએ પગ વડે લાતો મારી હતી અને અપશબ્દો કહેતા તેને પોલીસ સ્ટેશનમાંથી કાઢી મુક્યો હતો. આ ઘટનાથી દુઃખી થયેલા સુધીરે ટાઉન ડીએસપી રામનરેશ પાસવાનને ફરિયાદ કરી છે. તેમણે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. ઘટના મોડી સાંજે બની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ટાઉન પોલીસ સ્ટેશનની પોલીસે તેના પિતરાઈ ભાઈ કિશન કુમારને કસ્ટડીમાં લીધો હતો. જ્યારે સુધીર સાંજે તેના દામોદરપુર સ્થિત ઘરે પહોંચ્યો ત્યારે પરિવારજનોએ તેને આ અંગે જાણ કરી હતી. તેમણે કહ્યું કે પોલીસે કિશનને ઝડપી લીધો છે, પરંતુ મામલો શું છે તે વિશે કંઈ જણાવી રહ્યા નથી. બાદમાં સુધીર ટાઉન પોલીસ સ્ટેશન દોડી ગયો. જાેયું કે તેનો ભાઈ લોકઅપમાં બંધ છે. તેણે પોલીસને પૂછ્યુ કે તેણે કયા કેસમાં ભાઈને કેદ કર્યો છે. તેણે જણાવ્યું કે તેના એક મિત્રએ જમીન ખરીદી હતી. જમીનની ખરીદીમાં તેનું નામ સાક્ષી તરીકે આપવામાં આવ્યું હતું. કદાચ તે જમીન અંગે કોઈ વિવાદ હતો. જે બાબતે એક પક્ષે એફઆઈઆર નોંધાવી હતી. જ્યારે તેને તેના વિશે કંઈ ખબર પણ નથી. તેમ છતાં પોલીસ તેને પકડીને લઈ આવી હતી. સુધીર તેના ભાઈ સાથે વાત કરી રહ્યો હતો. ત્યારે જ ગુસ્સામાં એક પોલીસકર્મી બહાર આવ્યો અને દલીલ કરવા લાગ્યો, પછી તે અપશબ્દો બોલવા માંડ્યો. જ્યારે સુધીરે તેનો વિરોધ કર્યો ત્યારે તેણે પોલીસ સ્ટેશનમાં જ માર માર્યો હતો. આ પછી સુધીર ચુપચાપ ત્યાંથી ચાલ્યો ગયો અને બાદમાં ડીએસપીને ફરિયાદ કરી હતી. સુધીરે કહ્યું કે આ મારી કમનસીબી છે કે થોડા વર્ષો પહેલા જ્યારે આ પોલીસ સ્ટેશનનું બિલ્ડીંગ નવું બનાવવામાં આવ્યું હતું. તે સમયે તેને એક સેલિબ્રિટી તરીકે ઉદ્ઘાટન કરવા માટે બોલાવવામાં આવ્યો હતો. તેમણે રિબીન કાપીને તેનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. પરંતુ, આજે તે જ પોલીસ સ્ટેશનમાં તેની સાથે મારપીટ કરવામાં આવી છે. જ્યારે મારી સાથે આવું કંઈક થઈ શકે છે, તો સામાન્ય જનતા સાથે પોલીસ કેવો વ્યવહાર કરતી હશે. તે સમજી શકાય તેવું છે.
