Maharashtra

સોના-ચાંદીના સૂચકાંક બુલડેક્સના વાયદામાં વેપારની બહોળી તકો

કોમોડિટીની પાઠશાળા

નૈમિષ ત્રિવેદી

સીનિયર મેનેજર, કોમ્યુનિકેશન, એમસીએક્સ

આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં શેરબજારનાં કામકાજમાં સૌથી વધુ હિસ્સો ઈન્ડેક્સના વેપારનો રહેલો છે. દા.ત. નિફ્ટી અને બેન્ક નિફ્ટીના ફ્યુચર્સમાં અને ઓપ્શન્સમાં લોકોની ભાગીદારી ખૂબ જોવા મળે છે. જે રીતે શેરબજારમાં નિફ્ટી અને સેન્સેક્સ સૂચકાંકો (ઈન્ડેક્સ) પ્રચલિત થયા છે અને બજારનું પ્રતિબિંબ બતાવે છે, એવી જ રીતે કોમોડિટી બજારમાં પણ સૂચકાંકો (ઈન્ડેક્સ)ના વેપારોમાં વૃદ્ધિ જોવા મળી રહી છે.

આવો, આજે આપણે ભારતના સર્વપ્રથમ સોના-ચાંદીના સૂચકાંક- બુલડેક્સની વિસ્તૃત માહિતી મેળવીને વેપારની તકોમાં વધારો કરીએ. બુલડેક્સ એ બુલિયન ઈન્ડેક્સનું ટૂંકું રૂપ છે. બુલડેક્સની વધઘટ સોના અને ચાંદીના ભાવોની વધઘટને પ્રતિબિંબિત કરે છે. જો બુલડેક્સનો ભાવ ઉપર છે અથવા નીચે છે, તો જરૂરથી કહી શકાય કે સોના-ચાંદીના ભાવો ઉપર અથવા નીચે હશે.

બુલડેક્સ વાયદાના વેપારની શરૂઆત દેશના અગ્રણી વાયદા બજાર  એમસીએક્સ દ્વારા વર્ષ 2020માં કરવામાં આવી છે, જ્યારે કોરોનાના લોકડાઊન વખતે આખી દુનિયામાં નકારાત્મક વાતાવરણ હતું, એવા સમયે એમસીએક્સ દ્વારા બુલડેક્સના વાયદાની શરૂઆત વેપારીઓ માટે ખૂબ જ હકારાત્મક વાત બની હતી. વાયદા બજારના સભ્યો અને વેપારીઓ અને સહભાગીઓ દ્વારા આ નવી શરૂઆતને ખૂબ જ ઉત્સાહપૂર્વક વધાવવામાં આવી છે, જે બુલડેક્સના વાયદાનાં વેપારમાં થયેલી ભાગીદારી દર્શાવે છે.

બુલડેક્સ વિશેની માહિતી

બુલડેક્સમાં સોના અને ચાંદીનું વેઈટ અનુક્રમે 63.70 ટકા અને 36.30 ટકાનું છે. બુલડેક્સની લોટ સાઈઝ 50 પોઈન્ટની છે. એટલે કે એમાં 1 રૂપિયાની ભાવની વધઘટ પર 50 રૂપિયાનું નફો/નુકસાન થતો હોય છે. યોગાનુયોગ બુલડેક્સની લોટ સાઈઝ અને નિફ્ટીની લોટ સાઈઝ પણ 50 (પચાસ) પોઈન્ટની જ છે.

માર્જિનની જરૂરિયાત

સેબીના પીક માર્જિનનાં નિયમો બાદ બજારના સહભાગીઓ ઓછા માર્જિનવાળી પ્રોડક્ટ પર વધુ વેપાર કરવાનું પસંદ કરી રહ્યા છે. બુલડેક્સના 1 લોટના વેપાર (ખરીદ/વેચાણ) માટે ફક્ત રૂ.60,000ની જરૂરિયાત રહેલી છે. અહિં એક વાત ખાસ નોંધવા જેવી છે કે નિફ્ટીમાં 1 લોટનું માર્જિન લગભગ રૂ.1,25,000 જેટલું જરૂરી હોય છે. એટલે બુલડેક્સમાં વેપાર નિફ્ટીની સાપેક્ષમાં લગભગ અડધાથી ઓછા માર્જિનમાં કરી શકાય છે.

ઈન્ટ્રા-ડે ભાવની વધઘટ

બુલડેક્સના ભાવ સોના અને ચાંદીના ભાવને આધારિત છે. જો 15000નો બુલડેક્સનો ભાવ ધારવામાં આવે અને લગભગ 1 ટકાની વધઘટ ધારીએ તો રોજની 100-150 પોઈન્ટની વધઘટ બુલડેક્સમાં જોવા મળી શકે છે, એટલે કે રોજના 5000થી 7500નું પ્લસ/માઈનસ થઈ શકે છે. જો કોઈ ધ્યાનપૂર્વક કામકાજ કરે તો રોજના લગભગ રૂ.2000 જેટલા બુલડેક્સ દ્વારા કમાઈ શકવાની તક હોય છે.

અહિં પણ આપણે જો બુલડેક્સની તુલના નિફ્ટી સાથે કરીએ તો અત્યારે નિફ્ટીમાં ભાવની વધઘટ 200-500 પોઈન્ટની અફડાતફડી જોવા મળે છે, એટલે કે 10,000થી 25000 સુધીનું જોખમ રહેલું છે. આમ, નિફ્ટીની સાપેક્ષમાં બુલડેક્સમાં ઓછા જોખમથી કામકાજ કરી શકાય છે.

પાકતી તારીખ

બુલડેક્સના વાયદાની પાકતી તારીખ દરેક મહિનાના અંતિમ અઠવાડિયામાં આવતી હોય છે. એક્સચેન્જનાં નિયમ અનુસાર સોના-ચાંદીના વાયદાના ટેન્ડર દિવસથી ત્રણ કામકાજના દિવસ અગાઉ બુલડેક્સની એક્સપાયરી રાખવામાં આવેલી છે. જે મહિનાઓમાં સોના-ચાંદીના વાયદા ન હોય એ મહિનામાં 25 તારીખ નક્કી કરવામાં આવેલી છે.

અહિં પણ આપણે નિફ્ટીની સાપેક્ષમાં દર મહિનાની પાકતી તારીખ પ્રમાણે વેપારો ગોઠવી શકાય છે. નિફ્ટીમાં ગુરૂવારનો દિવસ પાકતી તારીખ નક્કી કરવામાં આવેલ છે, પરંતુ કોમોડિટીમાં પાકતી તારીખ દિવસને બદલે તારીખના આધારે નક્કી કરવામાં આવતી હોય છે. જેમ નિફ્ટીમાં મન્થલી એક્સપાયરી હોય છે, એવી જ રીતે બુલડેક્સમાં પણ મન્થલી એક્સપાયરીનો લાભ વેપારીઓ લઈ શકે છે.

રોકડમાં પતાવટ

ઘણા લોકો મગજમાં એવું ધારીને બેઠા હોય છે કે કોમોડિટી બજારમાં ડિલિવરી ફરજિયાત લેવી પડતી હોય છે, પરંતુ અહિંયા એ જણાવી દઉં કે બુલડેક્સમાં કોઈ પણ પ્રકારની ડિલિવરીની આપ-લે કરવાની રહેતી નથી, કેમ કે બુલડેક્સના વાયદા કેશ સેટલ્ડ છે, એટલે કે પાકતી તારીખે સાંજે 5 વાગ્યે સોના અને ચાંદીના છેલ્લા 1 કલાક (4થી 5)ના એવરેજ ભાવથી સેટલ કરવામાં આવે છે. એટલે કોઈપણ વેપારી છેલ્લા દિવસ સુધી બુલડેક્સમાં વેપાર કરી શકે છે અને છેલ્લે ઓટો સ્ક્વેર ઓફમાં જવા દઈ શકે છે.

વેપારની રીતો

સામાન્ય રીતે બજારના સહભાગીઓ મુખ્ય બે પરિબળો આધારિત વેપાર ગોઠવતા હોય છે (1) ફંડામેન્ટલ પરિબળો અને (2) ટેક્નિકલ પરિબળો.જે રીતે નિફ્ટીમાં કે બેન્ક નિફ્ટીમાં ટેક્નિકલ એનાલિસીસ આધારિત કામ થતું હોય છે, એવી જ રીતે બુલડેક્સમાં પણ ટેક્નિકલ ઈન્ડિકેટર્સ આધારિત કામકાજ થઈ શકે છે.

બજારના અમુક સહભાગીઓ, ચોપીનેસ ઈન્ડેક્સ, સીસીઆઈ (કોમોડિટી ચેનલ ઈન્ડેક્સ), એમ.એફ.આઈ. (મની ફ્લો ઈન્ડેક્સ), સુપર ટ્રેન્ડનો ઉપયોગ કરીને ઈન્ટ્રા-ડેમાં 25-30 પોઈન્ટની વધઘટનો વેપાર આસાનીથી કરતા જોવા મળતા હોય છે.

કામકાજની તકો

બુલડેક્સના વાયદાના વેપાર સવારે 9 વાગ્યાથી રાત્રે 11.30 વાગ્યા સુધી ચાલતા હોવાથી ઘણા બધા શેરબજારના વેપારીઓ અને સહભાગીઓ બપોરે 3-30 વાગ્યા પછી બુલડેક્સમાં વેપાર કરી શકે છે. આ ઉપરાંત સાંજે 6થી 8 દરમિયાન આંતરરાષ્ટ્રીય ડેટા આધારિત વધઘટ આવતી હોય છે ત્યારે પણ બુલડેક્સ મારફત ઓછા માર્જિનમાં વધુ વળતર મેળવી શકે છે.

ડિસ્ક્લેમરઃ આ આર્ટિકલમાં અપાયેલા મંતવ્યો લેખકના અંગત છે. બજાર વિવિધ પરિબળો પર આધારિત હોય છે માટે સૂઝબૂઝથી ટ્રેડિંગ કરવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *