Maharashtra

NCP કાર્યકરોએ દર્શકો સાથે કરી મારપીટ, જાણો શું છે સમગ્ર મામલો

મહારાષ્ટ્ર
છત્રપતિ શિવાજી મહારાજ પર બનેલી ફિલ્મ હર હર મહાદેવ અંગે રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્રના પુના અને થાણામાં ઈતિહાસ સાથે છેડછાડ કરવાના આરોપમાં મરાઠી ફિલ્મ હર હર મહાદેવ વિરુદ્ધ પ્રદર્શન થયા બાદ ફિલ્મનું પ્રદર્શન રોકી દેવાયું છે. એનસીપીના પ્રમુખ નેતા જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે આ ફિલ્મમાં ખોટો ઈતિહાસ દેખાડવામાં આવી રહ્યો છે. આથી ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. મહારાષ્ટ્રના થાણાના એક ફિલ્મ થિયેટરમાં હર હર મહાદેવ ફિલ્મનું સ્ક્રિનિંગ ચાલુ હતું. ત્યારે જ એનસીપી નેતા જિતેન્દ્ર આવ્હાડ અને તેમના સમર્થકો ત્યાં પહોંચ્યા અને તેમણે આ ફિલ્મના સ્ક્રિનિંગને અટકાવી દીધુ. આરોપ છે કે એનસીપી કાર્યકરોએ ફિલ્મના દર્શકોને ભગાડી દીધા તથા તેમની મારપીટ પણ કરી. આ ફિલ્મ અંગે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ સંભાજી રાજે છત્રપતિએ પણ વાંધો દર્શાવ્યો છે. જ્યારે એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેએ ફિલ્મના વખાણ કર્યા હતા. એમએનએસ નેતા અમય ખોપકરે ટ્‌વીટ કરીને એનસીપી નેતા જિતેન્દ્ર આવ્હાડ પર નિશાન સાધ્યું. તેમણે ટ્‌વીટ કરીને કહ્યું કે ‘અફઝલ ખાનના સ્વઘોષિત પ્રવક્તા અને મુંબ્રા પ્રાંતના નવાબ તેમના ઈતિહાસના જ્ઞાનને જુઓ. અને આ જણાવશે કે મહારાજનો ઈતિહાસ શું સાચો છે અને શું ખોટો.’ બીજી બાજુ ફિલ્મને લઈને ભાજપે પણ એનસીપી પર પલટવાર કર્યો અને કહ્યું કે એનસીપી કાર્યકરોએ થિએટરમાં ઘૂસીને દર્શકો સાથે મારપીટ કરી. અત્રે જણાવવાનું કે એક દિવસ પહેલા જ પૂર્વ રાજ્યસભા સભ્ય અને કોલ્હાપુર શાહી પરિવારના વંશજ સંભાજી છત્રપતિએ પણ ચેતવણી આપી હતી કે જાે મહાન યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજ પર આધારિત કોઈ પણ આગામી ફિલ્મમાં તથ્યોને તોડી મરોડીને રજૂ કરાયા તો આવી ફિલ્મોનો વિરોધ કરીશું અને તેમની રિલીઝ રોકવા માટે તમામ પ્રયત્નો કરીશું. શિવાજી મહારાજના વંશજ સંભાજી છત્રપતિએ હાલમાં જ રિલીઝ થયેલી મરાઠી ફિલ્મ ‘હર હર મહાદેવ’ અને ‘વેદત મરાઠે વીર દૌડલે સાત’ (એક આગામી ફિલ્મ) ઉપર પણ નારાજગી વ્યક્ત કરી. સંભાજી બ્રિગેડના નેતા સંતોષ શિંદેએ કહ્યું કે સંભાજી બ્રિગેડના સભ્યોએ પુનાના એક થિયેટરમાં હર હર મહાદેવનું સ્ક્રિનિંગ અટકાવ્યું અને થિયેટરના માલિકને ચેતવણી આપી. હર હર મહાદેવમાં ઈતિહાસ સાથે છેડછાડ કરાઈ છે. જ્યારે વેદત મરાઠે વીર દૌડલે સાતમાં માવલે (છત્રપતિ શિવાજી મહારાજના એક સૈનિક)નું ભયાનક ચિત્રણ કરાયું છે. આ મામલે પોલીસે જિતેન્દ્ર આવ્હાડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. થાણા જિલ્લાના વર્તક નગર પોલીસ મથકમાં પૂર્વ મંત્રી જિતેન્દ્ર આવ્હાડ અને લગભગ ૧૦૦ જેટલા એનસીપી કાર્યકરો વિરુદ્ધ આઈપીસીની કલમ ૧૪૧, ૧૪૩, ૧૪૬, ૧૪૯, ૩૨૩, ૫૦૪ સહિત વિભિન્ન કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરાઈ છે. પોલીસે જણાવ્યું છે કે હજુ સુધી જાે કે કોઈની પણ ધરપકડ થઈ નથી. શું છે આ ફિલ્મમાં? હર હર મહાદેવ અભિજીત દેશપાંડે દ્વારા લખાયેલી અને નિર્દેશિત ૨૦૨૨ની ભારતીય મરાઠી ભાષાની એક ઐતિહાસિક એક્શન ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં સુબોધ ભાવે, શરદ કેલકર, અમૃતા ખાનવિલકર લીડ રોલમાં છે. સુબોધ ભાવેએ હર હર મહાદેવમાં છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા ભજવી છે. જ્યારે શરદ કેલકર બાજી પ્રભુ દેશપાંડે બન્યા છે.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *