મુંબઈ
અભિનેતા રાહુલ રોયનો જન્મ ૯ ફેબ્રુઆરી, ૧૯૬૮ના રોજ મુંબઈમાં થયો હતો. આજે તેમનો જન્મદિવસ છે. બોલિવૂડમાં નસીબ અજમાવતા પહેલા તેણે હિમાચલ પ્રદેશના સનાવરમાં આવેલી લોરેન્સ સ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કર્યો. રાહુલે મહેશ ભટ્ટની આશિકી થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો, જે બ્લોકબસ્ટર હિટ રહી હતી. ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા અને ઘણી કમાણી કરી અને રાહુલ રોય રાતોરાત સુપરસ્ટાર બની ગયો. આ ફિલ્મના તેના ડાયલોગ્સ, ગીતો લોકોને ખૂબ પસંદ આવ્યા હતા. “આશિકી”ની સફળતા બાદ બોલિવૂડના લગભગ તમામ મોટા પ્રોડક્શન હાઉસ રાહુલ રોય સાથે કામ કરવા ઈચ્છતા હતા. તેણે ઘણી ફિલ્મો સાઈન પણ કરી, પરંતુ કમનસીબે, તેમાંથી ઘણી બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ. એક ફિલ્મ હિટ થયા પછી તેના નસીબે રાહુલ રોયને જાણે છોડી દીધો. તેણે ફિલ્મ ‘દિલ કા રિશ્તા’ પણ સાઈન કરી હતી પરંતુ નિર્માતાના આકસ્મિક અવસાનને કારણે તેની ફિલ્મ ક્યારેય પૂર્ણ થઈ શકી ન હતી. તેમની અન્ય ઘણી ફિલ્મો જેમ કે ‘પ્રેમભિષેક’, ‘તુને મેરા દિલ લે લિયા’, ‘વજ્ર’ અને ‘જબ દિલ મિલે’ પણ વિવિધ કારણોસર રિલીઝ થઈ શકી નથી. રાહુલ ઘણા ટીવી શોમાં પણ જાેવા મળ્યો છે. તેણે ૧૯૯૮ના સોપ ઓપેરા ‘કૈસે કહું’ અને ‘કરિશ્મા – ધ મિરેકલ ઓફ ડેસ્ટિની’માં અભિનય કર્યો હતો. ૨૦૦૬માં શરૂ થયેલી બિગ બોસની પ્રથમ સિઝન પણ રાહુલ રોયે જીતી હતી, પરંતુ આ જીત પણ તેની કારકિર્દી આગળ વધારી શકી ન હતી. ૫૨ વર્ષની ઉંમરે રાહુલને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો, જેના પછી તે બરાબર બોલી શકતા નથી. રાહુલને માર્ચ ૨૦૨૧માં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો છે.