મહાવીર જયંતી અને આંબેડકર જયંતી નિમિત્તે જાહેર રજા હોવાથી પ્રથમ સત્રનાં કામકાજ બંધ રહ્યાઃ બીજા સત્રનાં કામકાજ રાબેતા મુજબ ચાલુ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર ગુરૂવારે મહાવીર જયંતી અને આંબેડકર જયંતી નિમિત્તે જાહેર રજા હોવાથી સાંજે પાંચ વાગ્યા સુધીના પ્રથમ સત્રનાં કામકાજ બંધ રહ્યા હતા, જ્યારે પાંચ વાગ્યા પછીના બીજા સત્રનાં કામકાજ રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા.
દરમિયાન, આત્મનિર્ભર ભારત મિશનને પ્રોત્સાહન પૂરું પાડવા માટે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (એમસીએક્સ)એ અગાઉ રિફાઈન્ડ લેડ બીઆઈએસ સ્ટાન્ડર્ડ ગ્રેડ-4 માટે એમસીએક્સ ગુડ ડિલિવરીના ધોરણો જારી કર્યા હતા, જેના લીધે ઘરેલૂ રિફાઈન્ડ સીસાના ઉત્પાદકોને પોતાના સીસાને એક્સચેન્જના પ્લેટફોર્મ પર ગુડ ડિલિવરી તરીકે સ્વીકારવાનો માર્ગ મોકળો બન્યો છે. આ પહેલાં, એક્સચેન્જના પ્લેટફોર્મ પર રિફાઈન્ડ લેડની માત્ર એલએમઈ બ્રાન્ડ જ ડિલિવરીપાત્ર હતી.
હાલમાં, રાજસ્થાનના ભીવાડી ખાતેના પાયલોટ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને આંધ્ર પ્રદેશના ચિત્તૂર ખાતેના ગ્રેવિટા ઈન્ડિયા લિમિટેડ એમ બે ઘરેલૂ રિફાઈન્ડ સીસાના ઉત્પાદન પ્લાન્ટોનો સીસાના વાયદા કોન્ટ્રેક્ટ્સ માટે એમસીએક્સ ગુડ ડિલિવરી તરીકે યાદીમાં સમાવેશ કરવામાં આવેલો છે.
માર્ચ 2022ની પતાવટ સાઈકલ દરમિયાન, એમસીએક્સ પર સીસાના વાયદા સામે 967.95 મે.ટન એમ્પેનલ્ડ બ્રાન્ડ ઈન્ગોટ્સની ડિલિવરી નોંધાઈ છે. અત્રે નોંધનીય છે કે, એમસીએક્સ પર યાદીમાં સમાવાયેલા ઘરેલૂ રિફાઈનર્સ દ્વારા સ્થાનિક રીતે ઉત્પાદિત રિફાઈન્ડ લેડ માટે આ ડિલિવરી માર્ચ એક્સપાયરીમાં પ્રથમ ડિલિવરી સાઈકલ દરમિયાન નોંધાઈ છે.
એમસીએક્સના એમડી અને સીઈઓ શ્રી પી.એસ. રેડ્ડીએ જણાવ્યું હતું કે, “આ એક નોંધપાત્ર કહી શકાય તેવી પ્રગતિ છે, જે દેશભરમાં સીસાના ભાવની અસમાનતામાં ઘટાડો કરીને ભારતમાં સંગઠિત રિફાઈન્ડ લેડ વેપારની વૃદ્ધિ અને વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. આ ઉપરાંત તે એક્સચેન્જ ઈકો-સિસ્ટમ અને ઘરેલૂ ઉદ્યોગ વચ્ચેના જોડાણને મજબૂત બનાવે છે અને સ્થાનિક રીતે ઉત્પાદિત ધાતુને ભૌગોલિક રીતે વ્યાપક રૂપે સરળતાથી ઉપલબ્ધ બનાવે છે. સ્થાનિક ઉત્પાદકો ભારતભરમાં પારદર્શક ભાવ શોધની પ્રક્રિયામાં સહભાગી બનીને લાભ પ્રાપ્ત કરવાનો ફાયદો ઉઠાવી શકે છે.”
પાયલોટ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના શ્રી નિકુંજ અગ્રવાલે જણાવ્યું હતું કે, “એમસીએક્સે સીસામાં ફિઝીકલ ડિલિવરી દ્વારા `વન નેશન વન પ્રાઇસ’નું સૂત્ર સાકાર કર્યું છે. આનાથી આપણા દેશના ઉદ્યોગ સાહસિકોને વેપારની વિશાળ તકો મળશે. આ ઉપરાંત દરેક વ્યક્તિ એમસીએક્સ દ્વારા તૈયાર કરાયેલા સુસ્થાપિત બિઝનેસ પ્લેટફોર્મ હેઠળ પારદર્શક વાતાવરણમાં કામ કરી શકે છે. એમસીએક્સ દ્વારા યાદીમાં સમાવેશ કરવા બદલ અમે ખુશી અનુભવીએ છીએ.”
ગુડ ડિલિવરીના ધોરણો આઈએસઃ 3717.1977 ગ્રેડ 4ના બીઆઈએસ સ્ટાન્ડર્ડને અનુરૂપ છે અને તેમાં પાત્રતા માપદંડ, ટેક્નિકલ લાયકાત ઓડિટ્સ, નાણાકીય ઓડિટ્સ અને સતત અનુપાલનની આવશ્યક્તાઓને પણ આવરી લેવામાં આવ્યા છે.
એમસીએક્સ પર જૂન 2019થી સીસાની પતાવટ ફરજિયાત ડિલિવરી મોડમાં રૂપાંતરિત કરવામાં આવી ત્યારથી 26,700 મે.ટન સીસા ધાતુની ડિલિવરી નોંધાઈ છે.
