મુંબઈ
ઓસ્ટ્રેલિયાની ટીમે ન્યૂઝીલેન્ડ સામે અંતિમ અને ત્રીજી વન-ડેમાં ૨૫ રને જીત મેળવવાની સાથે વન-ડે શ્રેણીમાં કિવીઝ ટીમનો ૩-૦થી વ્હાઈટ વોશ કરીને કેપ્ટન એરોન ફિન્ચને વન-ડેમાં ફેરવેલ ગિફ્ટ સાથે વિદાય આપી હતી. ફિન્ચે અગાઉ જાહેર કર્યા મુજબ ન્યૂઝીલેન્ડ સામેની અંતિમ મેચ બાદ વન-ડેમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. જાે કે તે ટી૨૦માં ઓસ્ટ્રેલિયન ટીમના કપ્તાન તરીકે ચાલુ રહેશે. ઓસ્ટ્રેલિયાએ સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથની ૧૦૫ રનની ઈનિંગની મદદથી ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૨૬૭ ર કર્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ એક બોલ બાકી હતો ત્યાં સુધીમાં ૨૪૨ રનમાં સમેટાઈ ગઈ હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની શ્રેણી પર કબજાે કર્યો હતો. કિવી ટીમનો એકપણ બેટ્સમેન સારી શરૂઆતને મોટી ઈનિંગમાં પરિવર્તિત કરી શક્યો નહતો. ગ્લેન ફિલિપ્સે સૌથી વધુ ૪૭ રન કર્યા હતા. નીચેના ક્રમે બેટિંગમાં આવેલા નીશામે ૩૬ જ્યારે સેન્ટનરે ૩૦ રનનો ફાળો આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરપથી મિચેલ સ્ટાર્કે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. ગ્રીન અને એબોટ્ટે બે-બે જ્યારે હેઝલવુડ અને ઝામ્પાએ એક-એક સફળતા મેળવી હતી. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને પ્રથમ બેટિંગનું નિમંત્રણ આપ્યું હતું. ઓસ્ટ્રેલિયન ઓપનર જાેશ ઇંગ્લિસ (૧૦) રને આઉટ થયો હતો. પોતાની કારકિર્દીની અંતિમ વન-ડેમાં કેપ્ટન એરોન ફિન્ચ મોટી ઈનિંગ રમી શક્યો નહતો અને પાંચ રન કરી આઉટ થયો હતો. એરોન ફિન્ચ છેલ્લા કેટલાક સમયથી કંગાળ ફોર્મથી પરેશાન છે. સ્ટીવ સ્મિથે ૧૩૧ બોલમાં ૧૦૫ રન સાથે સદી ફટકારી હતી જેમાં ૧૧ ચોગ્ગા અને એક સિક્સરનો સમાવેશ થયો હતો. માર્નસ લાબુશેને (૫૨) સ્મિથ સાથે ૧૧૮ રનની જ્યારે એલેક્સ કેરી (૪૨)એ ચોથી વિકેટ માટે ૬૯ રનની ભાગીદારી કરી હતી. બોલ્ટે ૧૦ ઓવર પૈકી ચાર મેડન નાંખી હતી અને ૨૫ રન આપીને બે વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટર સ્મિથે બે વર્ષ બાદ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી હતી. આ ઉપરાંત કેમરૂન ગ્રીને ૧૨ બોલમાં ૨૫ રનની અણનમ ઈનિંગ રમી હતી જેને પગલે કાંગારૂ ટીમ મજબૂત સ્કોર ઉભો કરી શકી હતી.


