Maharashtra

દક્ષિણ આફ્રિકાએ ભારતને સાત વિકેટથી હરાવ્યું

મુંબઈ
ભારત પ્રવાસે આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટી૨૦માં યજમાન ભારતને સાત વિકેટે હરાવતા તેને લાગલગાટ સૌથી વધુ ટી૨૦ મેચ જીતવાના વિશ્વ રેકોર્ડથી સ્થાપવાથી અટકાવ્યું હતું. સાઉથ આફ્રિકાના બેટ્‌સમેન ડેવિડ મિલર અને વાન ડેર ડુસૈને આક્રમક અડધી સદી ફટકારતા ભારતના મજબૂત ૨૧૨ રનના ટારગેટને પાંચ બોલ બાકી હતા ત્યાં જ પાર કરી લીધો હતો. ભારતીય ટીમને પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યું હતું. ઓપનર ઈશાન કિસનના ૭૬ રનની મદદથી ભારતે નિર્ધારિત ૨૦ ઓવરમાં ચાર વિકેટે ૨૧૧ રન કર્યા હતા. દિલ્હીની બેટ્‌સમેનને મદદરૂપ થતી પીચ પર દક્ષિણ આફ્રિકાના બેટ્‌સમેનોએ ભારતીય બોલર્સની બરોબરની ધોલાઈ કરી હતી અને ૧૯.૧ ઓવરમાં ત્રણ વિકેટે ૨૧૨ રન કરી પ્રથમ ટી૨૦માં જીત નોંધાવી હતી. આ સાથે જ પાંચ ટી૨૦ મેચની શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાએ ૧-૦ની લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમ દ્વારા શ્રેષ્ઠ બેટિંગ પ્રદર્શન જાેવા મળ્યું હતું પરંતુ બોલિંગ ખાસ પ્રભાવી રહી નહતી. વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યાએ એક જ ઓવરમાં ૧૮ રન ખર્ચ કર્યા હતા. આ ઉપરાંત ફિલ્ડિંગમાં પણ બાઉન્ડ્રી પર શ્રેયસ ઐયરે ડુસૈનનો કેચ છોડ્યો હતો જે ભારતને મોંઘો સાબિત થયો હતો. ડુસૈન અને મિલર વચ્ચે ચોથી વિકેટની ૧૩૧ રનની અજેય ભાગીદારી રહી હતી. દક્ષિણ આફ્રિકાના બન્ને બેટ્‌સમેનોએ ભારતીય બોલર્સને બોરબરના ઝૂડ્યા હતા અને પાંચ-પાંચ છગ્ગા ફટકાર્યા હતા. દક્ષિણ આફ્રિકાએ અંતિમ પાંચ ઓવરમાં ૬૪ રન ફટકાર્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ અને અક્ષર પટેલને એક-એક સફળતા મળી હતી. દક્ષિણ આફ્રિકાએ આ સાથે જ ભારત સામે સૌથી વધુ ૨૧૨ રન ચેઝનો રેકોર્ડ પણ સ્થાપ્યો છે. અગાઉ ભારત સામે આફ્રિકાએ ૨૦૦ રનનો સર્વોચ્ચ પડકાર પ્રાપ્ત કર્યો હતો. ટેમ્બા બાવુમાના નેતૃત્વમાં આફ્રિકાની ટીમે ભારત સામે વધુ એક રેકોર્ડ સ્થાપ્યો હતો. ૨૧૨ રનના લક્ષ્યાંકને પીછો કરવા ઉતરેલી પ્રવાસી ટીમની શરૂઆત નબળી રહી હતી. કેપ્ટન બાવુમાં ૧૦ રન કરી આઉટ થયો હતો. જ્યારે ક્વિન્ટન ડિ કોક (૨૩) પણ મોટી ઈનિંગ રમી શક્યો નહતો. પ્રીટોરિયસે મિડલ ઓર્ડરમાં ફટકાબાજી કરીને ૧૩ બોલાં ચાર છગ્ગાની મદદથી ૨૯ રન કર્યા હતા. જાે કે હર્ષલ પટેલે તેને સ્લો ફૂલટોસની જાળમાં લપેટતા બોલ્ડ કર્યો હતો. આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સના કિલર ફિનિશર તરીકે જાણીતા ડેવિડ મિલર અને વાન ડેર ડુસૈને ત્યારબાદ ડ્રાઈવિંગ સીટ સંભાળી હતી અને ૧૩૧ રનની અણનમ ભાગીદારી કરીને દક્ષિણ આફ્રિકાને જીત તરફ દોરી ગયા હતા. પ્લેયર ઓફ ધ મેચ ડેવિડ મિલર ૩૧ બોલમાં ૬૪ રન અને ડુસૈન ૪૬ બોલમાં ૭૫ રન કરીને નોટ આઉટ રહ્યા હતા. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા મજબૂત શરૂઆત કરી હતી. ઓપનર ઈશાન કિસને ૪૮ બોલમાં ૭૬ રન ફટકાર્યા હતા જેમાં ૧૧ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થયો હતો. ઋતુરાજ ગાયકવાડે પણ તેનો સાથ આપતા ત્રણ છગ્ગા સાથે ૨૩ રન કર્યા હતા અને બન્ને વચ્ચે પ્રથમ વિકેટ માટે ૫૭ રનની ભાગીદારી નોંધાઈ હતી. ત્રીજા ક્રમે રમવા આવેલા શ્રેયસ ઐયરે ૨૭ બોલમાં ૩૬ રનની ઈનિંગ રમતા બીજી વિકેટ માટે કિસન સાથે ૮૦ રનની પાર્ટનરશિપ કરતા ભારત મજબૂત સ્થિતિમાં આવી ગયું હતું. કેપ્ટન રિશભ પંત ૧૬ બોલમાં ૨૯ રનનું યોગદાન આપ્યું હતું જેમાં બે ચોગ્ગા અને તેટલાંજ છગ્ગા માર્યા હતા. ઉપકપ્તાન હાર્દિક પંડ્યા પોતાની લયમાં જણાયો હતો અને તેણે ૧૨ બોલાં બે ચોગ્ગા તથા ત્રણ છગ્ગાની મદદથી અણનમ ૩૧ રન કર્યા હતા. દિનેશ કાર્તિક એક રન કરી નોટ આઉટ રહ્યો હતો. મહારાજ, નોર્ત્‌જે, પાર્નેલ અને પ્રીટોરિયસે એક-એક વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમે દમદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું અને ૨૦૦ રનથી વધુનો વિશાળ લક્ષ્યાંક ઉભો કર્યો હતો. જાે કે દક્ષિણ આફ્રિકા પાસે સારા બેટ્‌સમેન હોવાથી તેઓ પ્રથમ ટી૨૦માં ભારતના આ લક્ષ્યાંકને પાર કરવામાં સફળ રહ્યા હતા. હવે બીજી ટી૨૦ ૧૨ જૂને કટકમાં રમાશે.

Sport-In-The-First-T20-Against-India-Africas-Seven-Wicket-Victory.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *