Maharashtra

પૂણેમાં નિર્માણાધીન ઈમારત ધરાશાયી થઈ

મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં પુણેના યરવડા શાસ્ત્રી નગર વિસ્તારમાં એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થઈ છે. પુણે ફાયર બ્રિગેડે જણાવ્યું કે આ દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા છે જ્યારે ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડ અને પોલીસ કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યા છે. આ ઘટના બિલ્ડિંગના ભોંયરામાં બની હતી. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઝોન-૫) રોહિદાસ પવારે જણાવ્યું કે, ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે જ્યારે ત્રણ અન્ય ઘાયલ થયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે મજૂરો ત્યાં કામ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, કેટલાક કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. કાટમાળ નીચે કેટલાક કામદારો ફસાયા હોવાની શક્યતા છે. રાત્રે જ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂણેમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં થયેલા અકસ્માતમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. પુણે પોલીસના ડીસીપી રોહિદાસ પવારે જણાવ્યું કે અહીં એક મોલ બનાવવામાં આવી રહ્યો હતો જ્યારે સ્ટીલનું ભારે માળખું તૂટી પડ્યું. તમામ મજૂરો બિહારના રહેવાસી છે. નિર્માણાધીન બિલ્ડીંગમાં લોખંડની જાળી ધરાશાયી થવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. પીએમઓએ ટ્‌વીટ કરીને લખ્યું પૂણેમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં થયેલા અકસ્માતથી હું દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. હું આશા રાખું છું કે આ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *