ભુવનેશ્વર
ઓડિશાના ઢેંકનાલ જિલ્લામાં લગ્નેતર સંબંધની શંકામાં એક જૂનુની પતિએ તેની પત્નીનું માથું કાપી નાખ્યું. આશ્ચર્યની વાત છે, કે આરોપી મહિલાનું કપાયેલું માથું લઈને લગભગ ૧૨ કિલોમીટર દૂર ચાલીને પોલીસ ચોકી પહોંચ્યો હતો. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, આરોપીની ઓળખ નાકાફોડી માંઝી ઉર્ફે જાંડા તરીકે થઈ છે, જે તેની પત્ની ચંચલાના ચરિત્ર પર શંકા કરતો,અને ઘણીવાર આ બાબતે તેની સાથે ઝઘડો કરતો. ગુરુવારે લડાઈ વખતે ગુસ્સામાં, તેણે તિક્ષ્ણ હથિયાર વડે પત્નીનું માથું કાપી નાખ્યું હતું. આરોપી વ્યક્તિ નાકાફોડી તેની પત્નીનું કપાયેલું માથું લઇ સરેંડર થવા ગોંદિયા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. જયારે આરોપી કપાયેલું માથું લઈને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો, ત્યારે ઝડપાઈ ગયો હતો. આ પછી ગામજનોએ તેને પકડી પોલીસને હવાલે કર્યો હતો. જાેરાંડા પોલીસે કેસ નોંધીને માંઝીની ધરપકડ કરી છે. પોલીસે ગુનામાં વપરાયેલ લોહીવાળું હથિયાર પણ કબજે કર્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક મહિલાને બે પુત્રો છે. જેમાંથી એક પરિણીત છે, હાલ વધુ તપાસ ચાલુ છે.