પંજાબ
પંજાબી યુવા સિંગર સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડમાં દિલ્હી પોલીસે બુધવારે મોટો ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યું કે અત્યાર સુધી કેસમાં ૫ આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી ધાલીલાવે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે સિંગર મૂસેવાલા હત્યાકાંડનો માસ્ટરમાઇન્ડ લોરેન્સ બિશ્નોઈ છે જે દિલ્હીની જેલમાં બંધ છે અને સતત તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, ભાગેડુ સૌરભ મહાકાલના નજીકના શૂટરે મૂસેવાલાને ગોળી મારી હતી. પુણે ગ્રામીણ પોલીસે મોટી કાર્યવાહી કરતા મુખ્ય શૂટરના નજીકના મહાકાલની ધરપકડ કરી લીધી છે અને તેને ૧૪ દિવસની કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી એચજીએસ ધાલીવાલે કહ્યુ કે, મહારાષ્ટ્ર પોલીસને મહાકાલની ૧૪ દિવસની કસ્ટડી મળી છે. પોલીસે જણાવ્યું કે હત્યામાં ઓછામાં ઓછા પાંચ લોકો સામેલ છે. એક મહાકાલની ધરપકડ કરવામાં આવી છે, તે પંજાબી સિંગર મૂસેવાલાની હત્યામાં સામેલ શૂટરોમાંથી એકનો નજીકનો સહયોગી છે, પરંતુ તે શૂટિંગમાં સામેલ નહતો. શૂટિંગ કરનારની જલદી ધરપકડ થશે. આ પહેલાં પંજાબ પોલીસે પણ કહ્યું હતું કે મૂસેવાલાની હત્યા પાછળ લોરેન્સ ગેંગનો હાથ હતો. ગેંગના સભ્ય અને કેનેડામાં રહેતા ગોલ્ડી બરાડે આ હત્યાની જવાબદારી લીધી હતી. પંજાબ પોલીસે મંગળવારે કહ્યું હતું કે મૂસેવાલાની હત્યાના સંબંધમાં પોલીસે અત્યાર સુધી આઠ લોકોની ધરપકડ કરી છે. પોલીસે કહ્યું કે આરોપીઓને, ગાયક પર ગોળી ચલાવનાર લોકોને રહેવાની જગ્યા ઉપલબ્ધ કરાવનાર, રેકી કરનાર અને અન્ય પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે ૨૯ મેએ પંજાબના માનસા જિલ્લામાં અજાણ્યા હુમલાખોરોએ જાણીતા પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારી હત્યા કરી દીધી હતી. આ ઘટના રાજ્ય સરકારે મૂસેવાલાની સુરક્ષામાં ઘટાડો કર્યાના એક દિવસ બાદ બની હતી. આ હુમલામાં મૂસેવાલાનો પિતરાઈ ભાઈ અને એક મિત્ર પણ ઈજાગ્રસ્ત થયા હતા, જે તેની સાથે જીપમાં યાત્રા કરી રહ્યાં હતા.
