પંજાબ
પોતાની સરકારના સ્વાસ્થ્ય મંત્રી પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યા બાદ પુરાવા મળતા પંજાબના સીએમ ભગવંત માને તેમને બરતરફ કરી દીધા. એટલું જ નહીં મુખ્યમંત્રી ભગવંત માને વિજય સિંગલા વિરુદ્ધ કેસ દાખલ કરવાના પણ નિર્દેશ આપી દીધા છે. મળતી માહિતી મુજબ વિજય સિંગલાની એન્ટી કરપ્શન બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અત્રે જણાવવાનું કે વિજય સિંગલા ભગવંત માન સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી તરીકે કાર્યભાર સંભાળતા હતા. વિજય સિંગલા પર કોન્ટ્રાક્ટ બદલ એક ટકો કમિશનની માંગણી કરવાનો આરોપ હતો. આ મામલે નક્કર પુરાવા મળ્યા છે એવું પંજાબ સીએમઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. અત્રે જણાવવાનું કે વિજય સિંગલા ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાની ફરિયાદો મળી હતી. ત્યારબાદ જ્યારે નક્કર પુરાવા મળ્યા તો સીએમ ભગવંત માને તેમને બહારનો રસ્તો દેખાડી દીધો. તેમણે કહ્યું કે એક ટકો ભ્રષ્ટાચાર પણ સાખી લેવાશે નહીં. મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે જનતાએ ખુબ આશા સાથે આમ આદમી પાર્ટીની સરકારને તક આપી છે. તેના પર ખરા ઉતરવું એ અમારી ફરજ છે. અરવિંદ કેજરીવાલ જેવા ભારત માતાના સપૂત અને ભગવંત માન જેવા સિપાઈ હશે ત્યાં સુધી ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડત ચાલુ રહેશે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે કેજરીવાલે ભ્રષ્ટાચારની સિસ્ટમને જડમૂળથી ઉખેડી નાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. અમે બધા તેમના સિપાઈ છીએ. એક ટકો ભ્રષ્ટાચાર પણ ચાલશે નહીં. પંજાબમાં પહેલીવાર એવું જાેવા મળ્યું છે કે કોઈ મંત્રીની મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચાર મામલે છૂટ્ટી કરી હોય.
