પંજાબ
પંજાબમાં ભગવંત માન સરકારને સત્તામાં આવ્યે એક મહિનો પૂરો થઈ ગયો છે. આ અવસરે પ્રદેશની સરકારે સામાન્ય જનતાને રાહત આપતી મોટી જાહેરાત કરી છે. એક જુલાઈથી રાજ્યમાં દરેક ઘરને ૩૦૦ યુનિટ સુધી મફત વિજળી આપવાની જાહેરાત કરી છે. પ્રદેશ સરકારે પોતાના ૩૦ દિવસના કાર્યકાળનું રિપોર્ટ કાર્ડ પણ બહાર પાડ્યું. અત્રે જણાવવાનું કે હાલમાં જ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં કેજરીવાલની પહેલી ગેરંટી હેઠળ ૩૦૦ યુનિટ મફત વિજળી કેવી રીતે આપવામાં આવશે તે મુદ્દે લાંબી ચર્ચા થઈ હતી. આ મુલાકાત બાદ ભગવંત માને કહ્યું હતું કે બહુ જલદી પંજાબના લોકોને એક સારા સમાચાર આપીશ. જાે કે પંજાબમાં આપની સરકાર બન્યા બાદથી વિપક્ષી દળો સતત આરોપ લગાવતા રહ્યા છે કે માન સરકારને દિલ્હીથી નિયંત્રિત કરાઈ રહી છે. કોંગ્રેસ સતત દાવો કરી રહી છે કે કેજરીવાલ પંજાબની સરકારને નિયંત્રિત કરી રહ્યા છે અને આ કારણે સરકાર સ્વતંત્ર રીતે કામ કરી શકતી નથી.