પંજાબ
સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં પંજાબ પોલીસને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી અને ટ્રાન્ઝિટ રિમાન્ડ મળી ચુક્યા છે. પોલીસે દિલ્હીની એક કોર્ટને જણાવ્યું કે તે ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાનો મુખ્ય કાવતરાખોર છે. સુનાવણી દરમિયાન પંજાબના એડવોકેટ જનરલ અનમોલ રતન સિદ્ધુએ કોર્ટને ખાતરી આપી હતી કે રાજ્ય પોલીસ ગેંગસ્ટરની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી લેશે. કોર્ટના આદેશ મુજબ, બિશ્નોઈને બે બુલેટ પ્રૂફ વાહનો, દસ અન્ય વાહનો, ૫૮ પોલીસ સ્ટાફ અને અધિકારીઓની સુરક્ષા હેઠળ દિલ્હીથી પંજાબ લઈ જવામાં આવ્યો હતો. પંજાબ પોલીસે બુધવારે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇના ૭ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પંજાબ પોલીસે આ કેસમાં બે અરજી દાખલ કરી હતી. એક લોરેન્સ ની ધરપકડ માટે અને બીજાે તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ (અથવા ભૌતિક કસ્ટડી) માટે. જેના પર કોર્ટે પહેલા ધરપકડની મંજૂરી આપી અને પછી સાંજે ફિઝિકલ કસ્ટડીનો આદેશ આપ્યો હતો. બીજી તરફ, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની સુરક્ષાને લઈને પંજાબ સરકારના વકીલે પટિયાલા હાઉસ કોર્ટના ડ્યુટી મેજિસ્ટ્રેટને જણાવ્યું કે, “પંજાબ પોલીસના લગભગ ૫૦ પોલીસકર્મીઓ, ગેંગસ્ટરની સુરક્ષામાં બે બુલેટપ્રૂફ વાહનો સાથે વીડિયોગ્રાફી પણ કરવામાં આવે.” સિદ્ધુએ કહ્યું કે આવા મામલામાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશોનું પાલન કરવામાં આવશે. કોર્ટમાં મહત્વપૂર્ણ પુરાવા રજૂ કરતા પંજાબ પોલીસે કહ્યું કે સિદ્ધુ મૂસેવાલાની હત્યા પાછળ લોરેન્સ બિશ્નોઈનો હાથ હતો. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર, આ હત્યાકાંડનો હેતુ વિક્રમજીત સિંહ ઉર્ફે વિકી મુદ્દીખેડાની હત્યાનો બદલો લેવાનો હતો, જેમાં સિદ્ધુ મુસેવાલાનો મેનેજર શગુનદીપ સિંહ કથિત રીતે સામેલ હતો, જે હાલ ફરાર છે. તો બીજી તરફ લોરેન્સ બિશ્નોઈના વકીલ વિશાલ ચોપરાએ પંજાબ પોલીસની અરજીનો વિરોધ કરતા કહ્યું કે, એવી આશંકા છે કે જાે તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ આપવામાં આવે તો બિશ્નોઇની હત્યા થઈ શકે છે. તેથી વર્ચ્યુઅલ માધ્યમથી પણ પૂછપરછ કરી શકાય છે.
