પંજાબ
ભાજપના નેતા તજિન્દર બગ્ગા વિરુદ્ધ આમ આદમી પાર્ટીના નેતા ડો. સની સિંહની ફરિયાદ પર ૧ એપ્રિલના રોજ મોહાલમાં ધાર્મિક ભાવના ભડકાવવાના હેતુસર કેસ દાખલ કરવામાં આવ્યો. બગ્ગાએ ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ટિપ્પણી બાદ તેમના પર નિશાન સાધ્યું હતું. એફઆઈઆર દાખલ થતા પંજાબ પોલીસ જ્યારે પહેલીવાર બગ્ગાની ધરપકડ માટે પહોંચી તો વીલે મોઢે પાછી ફરી. બીજીવાર પંજાબ પોલીસના ૫૦ જવાનો બગ્ગાને ધરપકડ કરવા માટે તેમના ઘરે પહોંચ્યા અને જ્યારે પંજાબ લઈને જઈ રહ્યા હતા ત્યારે દિલ્હી પોલીસમાં તેમના અપહરણની ફરિયાદ દાખલ થતા પંજાબ પોલીસને હરિયાણા પોલીસે રોકી હતી. ત્યારબાદ દિલ્હી પોલીસ તેમને પાછા દિલ્હી લઈને આવી. ત્યારબાદ મોહાલી કોર્ટે બગ્ગા વિરુદ્ધ ધરપકડ વોરન્ટ જાહેર કર્યું અને પછી બગ્ગાએ હાઈકોર્ટ પાસે રાહત માંગી હતી. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના જસ્ટિસ અનુપ ચિતકારાના ઘરે ૭મી મેના રોજ અડધી રાતે સુનાવણી થઈ હતી અને તજિન્દર સિંહ બગ્ગાને ૧૦મી મે સુધી ધરપકડથી રાહત આપવામાં આવી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે તેમના વિરુદ્ધ કોઈ કઠોર કાર્યવાહી ન કરવામાં આવે. ભાજપના નેતા તજિન્દર બગ્ગાને હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. ૫ જુલાઈ સુધી તેમની ધરપકડ થઈ શકશે નહીં. પંજાબ-હરિયાણા હાઈકોર્ટે તજિન્દર બગ્ગાની ધરપકડ પર ૫ જુલાઈ સુધી રોક લગાવી છે. હવે આ મામલે ઉનાળુ વેકેશન બાદ સુનાવણી હાથ ધરાશે. અત્રે જણાવવાનું કે બગ્ગા પર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ટિપ્પણી મામલે એફઆઈઆર દાખલ થઈ છે. ત્યારબાદ મોહાલી કોર્ટે બગ્ગાની ધરપકડ માટે વોરન્ટ ઈશ્યૂ કર્યું હતું.
