રાજસ્થાન
રાજસ્થાનમાં સત્તારુઢ કોંગ્રેસ સરકારને નારાજગી વ્યક્ત કરનાર બહુજન સમાજ પાર્ટીમાંથી કોંગ્રેસમાં આવેલ ધારાસભ્યોએ શુક્રવારે રાજ્યસભા ચૂંટણી માટે મતદાન કર્યુ છે. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત કોંગ્રેસના ત્રણમાંથી એક ઉમેદવાર રણદીપ સુરજેવાલા સાથે સવારે ૯ વાગ્યા પહેલા જ વિધાનસભા પહોંચી ગયા હતા. બસપામાંથી કોંગ્રેસમાં આવેલા ધારાસભ્ય રાજેન્દ્ર ગુડા, સંદીપ યાદવ, વાજીબ અલી પણ સીએમ સાથે વિધાનસભા પહોંચ્યા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. રાજેન્દ્ર સિંહ ગુડાએ પત્રકારોને જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રીના વોટ બાદ મેં બીજા નંબર પર મારો વોટ નાખ્યો છે. એક સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે વિધાનસભા બિલ્ડિંગમાં સવારે ૯ વાગ્યે મતદાન શરૂ થયુ હતુ અને સાંજે ૪ વાગ્યા સુધી ચાલશે. જ્યારે સાંજે ૫ વાગ્યાથી મતગણતરી શરૂ થશે. કોંગ્રેસે અહીથી સુરજેવાલા, મુકુલ વાસનિક અને પ્રમોદ તિવારીને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપે ઘનશ્યામ તિવારીને મેદાનમાં ઉતાર્યા છે. આ સાથે જ ભાજપે અપક્ષ ઉમેદવાર સુભાષ ચંદ્રાને સમર્થન આપ્યુ છે. ચંદ્રાએ સત્તાધારી કોંગ્રેસ માટે ચૂંટણીને પડકારરૂપ બનાવી છે. જાે કે, પત્રકારો સાથે વાત કરતા ગેહલોતે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કોંગ્રેસના ત્રણેય ઉમેદવારો આરામથી જીતશે. બીજી તરફ હરિયાણાની રાજ્યસભાની ૨ બેઠકો માટે પણ મતદાન ચાલી રહ્યુ છે. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય કુલદીપ વત્સે દાવો કર્યો છે કે પાર્ટીના ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈએ પાર્ટીના ઉમેદવાર અજય માકનની તરફેણમાં વોટ આપ્યો છે. બિશ્નોઈ મતદાન કર્યા બાદ વિધાનસભામાંથી વોકઆઉટ કરી ગયા છે. રાજ્યસભા માટે જે રીતે ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવે છે તે મુજબ તેને પરોક્ષ ચૂંટણી પણ કહેવામાં આવે છે. રાજ્યસભાના સભ્યોની પસંદગી દરેક રાજ્યના ધારાસભ્યો દ્વારા કરવામાં આવે છે. પરંતુ વિધાન પરિષદના સભ્યો આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ શકતા નથી.
