રાજસ્થાન
રાજસ્થાનના સીકરમાં ગત શનિવારે કુખ્યાત ગેંગસ્ટર રાજુ ઠેહટની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસને અંજામ આપનારા તમામ આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. ડીજીપી ઉમેશ મિશ્રાએ કહ્યું કે રાજુ ઠેહટ હત્યા કેસના તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓમાં સીકર જિલ્લાના રહેવાસી મનીષ જાટ અને વિક્રમ ગુર્જર, હરિયાણાના ભિવાની જિલ્લાના રહેવાસી સતીશ કુમ્હાર, જતીન મેઘવાલ અને નવીન મેઘવાલનો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી તમામ હથિયારો અને કારતુસ જપ્ત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ગયા શનિવારે સીકર શહેરમાં ગેંગસ્ટર રાજુ ઠેહટની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોળીબારમાં અન્ય એક વ્યક્તિનું પણ ગોળી વાગવાથી મોત થયું હતું. આ ઘટનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓને પકડવા માટે પોલીસે સમગ્ર રાજ્યમાં બેરિકેડ લગાવી દીધા હતા અને પંજાબ અને હરિયાણા સાથેની સરહદો સીલ કરી દીધી હતી. રાજુ ઠેહટ ગેંગસ્ટર આનંદપાલ સિંહનો હરીફ હતો, જે ૨૦૧૭માં પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. રાજુ ઠેહટ સામે અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે અને તે હાલમાં જામીન પર બહાર હતો. દિવસે બનેલી આ ઘટનાની એક સીસીટીવી ફૂટેજ સામે આવી છે, જેમાં હુમલાખોરો ઠેહટના ઘરના મુખ્ય દરવાજા પર ઉભા જાેવા મળે છે. હુમલાખોરો રાજુ ઠેહટના દરવાજા પાસે પહોંચ્યા ત્યારે એક ટ્રેક્ટર-ટ્રોલી પણ ઘરની સામે પહોંચી અને ત્યાં જ થંભી ગઈ. તે રોકાતા જ હુમલાખોરોએ રાજુ ઠેહટ પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ટ્રેક્ટર ચાલકની પણ સંડોવણી હોવાની આશંકા છે. અન્ય ફૂટેજમાં હુમલાખોરો હાથમાં હથિયાર લઈને ભાગતા જાેવા મળે છે.


