જયપુર
રાજસ્થાનના ભાજપના નેતાઓને એવી આશા છે કે રાજસ્થાનમાં પણ મહારાષ્ટ્રની જેમ રાજકીય ખેલ થઈ શકે છે અને કેટલાક નેતાઓના નિવેદનો પરથી આ પ્રકારના સંકેત આપવામાં આવી રહ્યા છે. ભાજપ હાઈકમાન્ડની નજર હવે રાજસ્થાન પર છે.
રાજસ્થાનમાં પણ મહારાષ્ટ્ર પેટર્ન લાગુ થઇ શકે તેવી શક્યતા છે તેવા નિવેદનો કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતથી લઈને રાજસ્થાનના ભાજપ પ્રદેશ પ્રમુખ સતીશ પુનિયા દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે હવે રાજસ્થાનમાં પણ મોટી બબાલ ઉભી થઇ શકે છે.
રાજસ્થાનના ભાજપના કેટલાક નેતાઓએ એમ પણ કહ્યું છે કે ગેહલોતની સરકાર જુગાડ પર ચાલી રહી છે અને સરકાર ખુદ ગમે ત્યારે પડી શકે તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે. કોંગ્રેસની અંદર આંતરિક સંઘર્ષ વધી રહ્યો છે અને મંત્રી તથા ધારાસભ્યો એક સાથે બેસતા નથી. આવી પરિસ્થિતિમાં ગમે તે થઈ શકે છે.
ભાજપના અન્ય કેટલાક નેતાઓએ એમ કહ્યું છે કે કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક સંઘર્ષ મધ્યસત્ર ચૂંટણી સુધી દોરી જાય તેવી શક્યતા પણ દેખાઈ રહી છે અને આ પ્રકારના નિવેદનોને પગલે રાજસ્થાનના રાજકારણમાં પણ હલચલ મચી ગઈ છે અને બેઠકોના દોર શરૂ થઇ ગયા હોવાનું બહાર આવ્યું છે.
જાેકે રાજસ્થાનના એક મંત્રીએ એમ કહ્યું છે કે ભાજપના નેતાઓ મુંગેરીલાલ કે હસીન સપને જાેઈ રહ્યા છે અને સપના જાેવા માટે તેઓ સ્વતંત્ર છે અને રાજસ્થાનની જનતા ફરી એકવાર ભાજપને જડબાતોડ જવાબ આપશે.
ભાજપના નેતાઓ એમ કહે છે કે કોંગ્રેસ પોતે જ અંદરથી તૂટી રહી છે પરંતુ એ લોકો ભાજપ પર આરોપ મૂકી ગયા છે અને ગેલોત સરકાર આંતરિક સંઘર્ષને પગલે નબળી પડી રહેલી દેખાય છે અને ગમે ત્યારે તેનું ટાયર ફાટી શકે એમ છે.
