તમિલનાડુ
સામાન્ય રીતે તમે બજારમાં સિક્કા બાબતે ઘણી દલીલ થાય છે. ક્યારેક લોકો છુટ્ટા એટલે કે ચિલ્લર લેવાનો આગ્રહ રાખે છે, તો ક્યારેક એક સાથે વધુ સિક્કા લેવાની ના પાડે છે. ત્યારે તામિલનાડુમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ ૧૦-૧૦ રૂપિયાના સિક્કાથી કાર ખરીદી છે. ગ્રાહકે રૂ ૧૦ના સિક્કાથી રૂ. ૬ લાખનું પેમેન્ટ કરતાં કાર વેચનાર ડીલરશીપના કર્મચારીઓ પણ ધંધે લાગી ગયા હતા. તામિલનાડુના ધર્મપુરીમાં ૧૦ રૂપિયાના મૂલ્યના ૬૦,૦૦૦ સિક્કાથી ભરેલી બેગ લઈને વેટ્રીવેલ નામનો વ્યક્તિ શોરૂમમાં પહોંચ્યો હતો. આ સિક્કા જાેઈને કાર ડીલરશીપના કર્મચારીઓ ડઘાઈ ગયા હતા. કાર ખરીદવા માટે તેણે એક મહિનામાં કુલ ૧૦-૧૦ના ૬ લાખ રૂપિયાના સિક્કા એકઠા કર્યા હતા. આવું કરવાના કારણના જવાબમાં તેણે જણાવ્યું હતું કે, તેની માતા દુકાન ચલાવે છે. જ્યાં ખરીદીના પેમેન્ટ બાદ છૂટા પરત કરવાના હોય ત્યારે ઘણી વખત ગ્રાહકો ૧૦-૧૦ રૂપિયાના સિક્કા સ્વીકારવાની ના પાડે છે. વેટ્રિવેલે જણાવ્યું કે તેમના ગામમાં બાળકો ૧૦ રૂપિયાના સિક્કા સાથે રમતા જાેવા મળે છે. તેમના માતાપિતાએ જ તેમને આ સિક્કા રમવા માટે આપ્યા હોય છે. કારણ કે સિક્કા કોઈ કામના નથી. જેથી હવે લોકોમાં જાગૃતિ લાવવા તેણે આવું કર્યું છે. તેણે કહ્યું કે બેંકો પણ વિવિધ પ્રકારના બહાના કરી સિક્કા સ્વીકારવાની ના પાડે છે. ત્યારે સામાન્ય માણસ શું કરે? તેણે કહ્યું કે, હું બેંકમાં ગયો ત્યારે બેંકે બહાનું કાઢ્યું કે તેમની પાસે સિક્કા ગણવા માટે ઘણા લોકો નથી. આ બાબતે ફરિયાદ બાદ પણ કોઈ પગલાં લેવાતા નથી. પહેલા તો ધર્મપુરીમાં આવેલી કાર ડીલરશીપ આટલા બધા સિક્કાઓથી કારની ડીલ કરવા તૈયાર ન હતી, પરંતુ વેટ્રિવેલની જીદ અને જુસ્સાને જાેતા તેઓ આ સોદો કરવા માટે રાજી થઈ ગયા હતા. ત્યારબાદ તે પોતાના સંબંધીઓ સાથે ૧૦ રૂપિયાના સિક્કાની બોરીઓ લઈને ડીલરશીપ પહોંચ્યા હતા. બાદમાં પૈસાની ગણતરી શરૂ થઈ અને તે પછી તેને નવી મારુતિ સુઝુકી ઇકોની ચાવી સોંપવામાં આવી હતી.