ચેન્નાઇ
તમિલનાડુમાં એઆઈએડીએમકેમાં આંતરિક વિવાદ વચ્ચે પાર્ટીમાંથી બરતરફ મહાસચિવ વી.કે.શશીકલાએ ચેન્નઈ, તિરુવલ્લુર અને થિરુત્તાનીમાં રોડ શૉ કર્યો. તેમણે આ રોડ શૉ તમિલ માટીના અધિકારો અને મહિલાઓની ગરિમાની રક્ષા માટે કર્યો હતો. શશીકલાએ તેની શરૂઆત ટી નગરમાં પોતાના ઘરેથી કરતા કહ્યું કે જ્યારે એમ.જી.રામચંદ્રને પાર્ટી શરૂ કરી હતી તો તેમણે કહ્યું હતું કે તે આ પાર્ટીને ગરીબો અને સામાન્ય વ્યક્તિ માટે બનાવી રહ્યા છે.
આ કોઈ જાતિ, પંથ કે ધર્મની પાર્ટી નથી. શશીકલાએ કહ્યું કે પ્રચાર અભિયાન દરમિયાન તેમના કાર્યકરોએ મને નેતૃત્વ કરવા કહ્યું હતું. હવે મને લાગે છે કે આ પાર્ટી માટે પણ સારું રહેશે. શશીકલાએ કહ્યું કે લોકસભા ચૂંટણી પહેલાં એઆઈએડીએમકે એક નેતૃત્વમાં જાેવા મળશે. આ કામ હું કરીશ.
પાર્ટીના આંતરિક વિવાદ વિશે શશીકલાએ કહ્યું કે ફક્ત ૨ લોકોના પાર્ટીમાં લડવાથી તમે એમ ન વિચારી શકો કે સંપૂર્ણ પાર્ટી સંકટમાં છે. શું તે એ લોકો સાથે મતભેદો દૂર કરવા તૈયાર છે જેમણે ક્યારેક તેમનો બહિષ્કાર કર્યો હતો? તે અંગે શશીકલાએ કહ્યું કે આ મુદ્દા અમારી વચ્ચે છે અને અમે તેને સુધારીશું.
જયલલિતાનાં નજીકનાં શશીકલાએ તમિલનાડુના ઉત્તરના જિલ્લાઓમાં અભિયાન શરૂ કર્યું. તેમના સમર્થકોએ તેમની ઉત્તર તમિલનાડુની મુલાકાતને પુરુત્વી પયાનમ(ક્રાંતિકારી યાત્રા) ગણાવી હતી. બીજી બાજુ પૂર્વ સીએમ ઓ.પન્નીરસેલ્વમે દક્ષિણની મુલાકાત લીધી. તેમણે પલાનીસ્વામી જૂથને આડેહાથ લેતા દાવો કર્યો કે પાર્ટી કાર્યકરો મારી તરફ છે. તે રવિવારે ચેન્નઈથી મદુરૈ પહોંચ્યા. રસ્તામાં સમર્થકોની ભીડ પણ સાથે હતી.