ચેન્નઈ
ભારતનું પાડોશી શ્રીલંકા પોતાના ઈતિહાસના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દેશમાં લોકોને ભોજન મળી રહ્યું નથી. મોંઘવારી બેકાબૂ થઈ ગઈ છે. પેટ્રોલ, ડીઝલ મળી રહ્યું નથી. લોકો સરકારનો સતત વિરોધ કરી રહ્યાં છે. સરકારના તમામ સાંસદોએ પોતાના પદ પરથી રાજીનામાં પણ આવી રહ્યાં છે. લોકોમાં રાજપક્ષે પરિવાર પર ગુસ્સો છે. દેશમાં આર્થિક સંકટ દૂર કરવા માટે શ્રીલંકાની સરકાર વિદેશથી મદદ માંગી રહી છે. ભારત સહિત વિશ્વના અન્ય દેશો શ્રીલંકાની મદદ કરી રહ્યાં છે. ભારતે શ્રીલંકાને તેલ ખરીદવા માટે લોન આપી છે. તો માનવીય સહાયતાના ભાગ રૂપે ભારત રાશન, દવાઓ પણ મોકલી રહ્યું છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલાં શ્રીલંકાની મદદે તમિલનાડુ આગળ આવ્યું છે. તમિલનાડુની સત્તામાં રહેલી ડીએમકેએ જાહેરાત કરી છે કે તેના તમામ સાંસદ એક મહિનાનો પગાર શ્રીલંકાના ચીફ મિનિસ્ટર્સ ફંડમાં આપશે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી શ્રીલંકા ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. થોડા દિવસ પહેલા તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને લોકોને શ્રીલંકાની મદદ માટે આગળ આવવા અને રાહત સામગ્રી જમા કરવાની અપીલ કરી હતી. ત્યારબાદ તમિલનાડુ વિધાનસભામાં શ્રીલંકાને ચોખા અને દવાઓ મોકલવાની મંજૂરી માંગવાનો એક પ્રસ્તાવ પાસ કરવામાં આવી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે આ પ્રસ્તાવને મંજૂરી પણ આપી દીધી છે. એસ જયશંકરે કહ્યુ કે, ભારત સરકાર દ્વારા શ્રીલંકાને જે મદદ આપવામાં આવી રહી છે તેમાં તમિલનાડુના યોગદાનથી વધારો થશે. શ્રીલંકામાં રાહત સામગ્રી મોકલવા માટે રાજ્ય સરકાર તમિલનાડુના ચીફ સેક્રેટરીને કેન્દ્ર સાથે કોર્ડિનેટ કરવાનું કહી શકે છે.