ઉત્તરપ્રદેશ
ઉત્તર પ્રદેશના વિદ્યાર્થીઓએ મહિલાઓની સુરક્ષા માટે શાનદાર કામ કરીને કમાલ કરી દીધી છે. આગ્રાની આરબીએસ કોલેજના ટેકનિકલ કેમ્પસની વિદ્યાર્થીનીઓએ એવું જેકેટ બનાવ્યું છે, જે મહિલાઓની સુરક્ષા માટે મહત્વનું હથિયાર માનવામાં આવે છે. આરબીએસ કોલેજના ઇલેક્ટ્રોનિક અને કોમ્યુનિકેશન વિભાગના ચોથા વર્ષના વિદ્યાર્થીઓએ મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ‘સેફ્ટી જેકેટ’ બનાવ્યું છે. આ સેફ્ટી જેકેટની ખાસ વાત એ છે કે જાે કોઇપણ વ્યક્તિ કોઇ પોતાની સહમતિ વગર ખોટા ઇરાદાઓ સાથે કોઈપણ મહિલા કે છોકરીને ટચ કરવાની કોશિશ કરશે તો તેને ૧૨૦ વોલ્ટથી લઇને ૨૦૨૦ સુધીનો ઇલેક્ટ્રિક શોક લાગશે. સ્વાતિ ગુપ્તા, સંચિત અગ્રવાલ અને અનિતાની ૧ વર્ષની મહેનત બાદ આ અનોખું અને ખૂબ જ ઉપયોગી ડિવાઇસ તૈયાર કરવામાં આવ્યું છે. તે મહિલાઓ માટે એક પ્રકારનું સલામતી કવચ છે. ઇલેક્ટ્રોનિક અને કોમ્યુનિકેશનના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓએ તેમના પ્રોજેક્ટના ભાગરૂપે સેફ્ટી જેકેટ નામનું આ જેકેટ બનાવ્યું છે, જે મહિલાઓની સલામતી તેમજ તેમનું કવચ બનશે. તેમાં ૧૨૦ વોલ્ટથી લઇને ૨૦૦૦ વોલ્ટ સુધી વિજળીનો કરંટ છે, જે થોડા સમય માટે સામેના વ્યક્તિને અચેત કરી દેશે. આ જેકેટ ખૂબ જ ખાસ સુવિધાઓથી સજ્જ છે. કઇ રીતે બનાવ્યું છે જેકેટ? આ વિદ્યાર્થીઓએ આ જેકેટને વેરેબલ સિસ્ટમ ટૂ સેફગાર્ડ્સ એન્ડ પર્સનલ સેફ્ટી નામ આપ્યું છે. આ જેકેટ ઉપર ખાસ પ્રકારના મેટલ વાયર લગાવવામાં આવ્યા છે. આ વાયર ૧૨ વોલ્ટની બેટરી, કેટલાક સેન્સર અને નાના ટ્રાન્સફોર્મર સાથે જાેડાયેલા હોય છે. આ જેકેટમાં એવું સોફ્ટવેર છે કે મહિલાની છેડતી થતા જ તેને માત્ર એક બટન દબાવવાનું છે અને તેના જેકેટમાં ૧૨૦ વોલ્ટનો કરંટ લાગશે. આ જેકેટને સ્પર્શતાંની સાથે જ વ્યક્તિ થોડી વાર અચેત થઇ જશે. આ જેકેટ બનાવવા ટીમમાં જાેડાયેલી અનિતાનું કહેવું છે કે જેકેટને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જેકેટ પહેરનારને કરંટ નહીં લાગે. એવું ફેબ્રિક કે પછી કહી શકાય કે જેકેટની અંદર ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી જેકેટની અંદર કરંટ નહીં ચાલે. એક સેકન્ડ પછી વિદ્યુતપ્રવાહ આપોઆપ કપાઈ જશે, જેથી સામેની વ્યક્તિને માત્ર નુકસાન થાય છે, મોત થતું નથી. અનેક સુવિધાઓથી સજ્જ છે જેકેટ – સરળ દેખાતા આ જેકેટમાં જીપીએસ, જીએસએમ મોડ્યુલ, ઓડિયો નેનો પીસી, માઇક્રોકન્ટ્રોલર કેમેરા, મોડ્યુલ ઇન્વર્ટર સર્કિટ, ૧૨ વોલ્ટ બેટરી અને કેટલાક સેન્સર લગાવવામાં આવ્યા છે. સાથે જ ઝટકો આપવા ઉપરાંત બટન દબાવતા જ મહિલાનું લાઇવ લોકેશન, એલર્ટ મેસેજ પોલીસ તેમજ પરિવારજનોને પહોંચાડવામાં આવશે. આ ડિવાઇસમાં પરિવારના નંબર અને પોલીસના કંટ્રોલ રૂમના નંબર ઉમેરવામાં આવ્યા છે, જેના પર ઘટનાના વિડીયો ફૂટેજ અને મેસેજ તરત જ પહોંચી જાય છે. બાળકો માટે પણ સુરક્ષા કવચ – આ જેકેટ માત્ર મહિલાઓની સુરક્ષા માટેનું કવચ જ નથી, પરંતુ નાના બાળકોના અપહરણને રોકવા માટે ઘણા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. જેકેટ જીએસએમ મોડ્યુલથી સજ્જ છે, તેમાં સિમ છે. જ્યારે તમે બટન દબાવો છો ત્યારે એક વોઇસ કોલ તરત જ આપેલા નંબરો પર પહોંચે છે. આવી સ્થિતિમાં બાળક તેના ગાર્ડિયન્સ સાથે સરળતાથી વાત કરી શકે છે. સાથે જ લોકેશન પણ તેમના મોબાઈલ સુધી પહોંચી જાય છે. તેનાથી બાળકના અપહરણને ઘણી હદ સુધી રોકવામાં મદદ મળશે. જેકેટ બનાવતી ટીમની મુખ્ય મેમ્બર સ્વાતિ ગુપ્તાનું કહેવું છે કે, અત્યાર સુધીમાં તેણે આ પ્રોજેક્ટ પાછળ ૧૦થી ૧૨ હજાર રૂપિયા ખર્ચ કર્યા છે. પ્રયોગ દરમિયાન અનેક ગણા મોંઘા કોમ્પોનન્ટ્સ બળી ગયા હતા, જેના કારણે ધીમે ધીમે ખર્ચમાં વધારો થયો હતો. જાેકે આ જેકેટ માર્કેટમાં આવે તો તેની કિંમત ૫૦૦૦-૬૦૦૦ હશે. તેના ફેબ્રિક પર કામ થઈ રહ્યું છે. જેકેટ હમણાં શિયાળા અનુસાર તૈયાર કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જ તે દરેક ઋતુમાં સુસંગત હોય તેમ બનાવવામાં આવશે.

