કૌશામ્બી
ઉત્તરપ્રદેશના કૌશામ્બી જિલ્લામાં પ્રોબેશન ઓફિસરની છેડતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે કે ડિસ્ટ્રિક્ટ પ્રોબેશન ઓફિસર રાજનાથ રામ ઓફિસમાં સબૉર્ડિનેટ મહિલા કર્મચારીની છેડતી કરી રહ્યા છે. મહિલા કર્મચારીના વિરોધ બાદ પણ પ્રોબેશન ઓફિસર તેની સાથે જબરદસ્તી કરે છે. છેડતીનો વીડિયો સામે આવ્યા બાદ ડીએમ સુજીત કુમારે મહિલા અને બાળ વિકાસ વિભાગના મુખ્ય સચિવને કાર્યવાહી માટે પત્ર લખ્યો છે. છેડતીનો કેસ વિકાસ ભવન ખાતે જિલ્લા પ્રોબેશન ઓફિસરની ઓફિસનો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ સુજીત કુમારે આ ઘટનાના સંબંધમાં જણાવ્યું હતું કે, ‘જિલ્લા પ્રોબેશન ઓફિસર દ્વારા ગૌણ મહિલા કર્મચારીની છેડતી કરવાનો વીડિયો સામે આવ્યો છે. કેટલીક અશ્લીલ વોટ્સએપ ચેટ પણ મળી છે. આ મામલાની તપાસ માટે એડીએમ જ્યુડિશિયલના નેતૃત્વમાં ત્રણ સભ્યોની ટીમની રચના કરવામાં આવી છે. તપાસમાં પ્રાથમિક દૃષ્ટિએ જિલ્લા પ્રોબેશન ઓફિસર રાજનાથ દોષી સાબિત થયા છે. જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે, ‘મહિલા અને બાળ વિકાસ વિભાગના મુખ્ય સચિવને સ્ટાફ આચાર નિયમો હેઠળ આરોપી અધિકારી સામે કડક કાર્યવાહી કરવા માટે પત્ર લખવામાં આવ્યો છે. આ સાથે પોલીસ અધિક્ષક બ્રજેશ શ્રીવાસ્તવ સાથે વાત કર્યા બાદ પીડિત મહિલા કર્મચારીની ફરિયાદના આધારે મંઝાનપુર પોલીસ સ્ટેશનમાં ડિસ્ટ્રિક્ટ પ્રોબેશન ઓફિસર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તમને જણાવી દઈએ કે જિલ્લા પ્રોબેશન ઓફિસરની પોસ્ટ સામાન્ય રીતે રાજ્ય સરકારોના સમાજ કલ્યાણ અથવા મહિલા અને બાળ વિકાસ વિભાગમાં જિલ્લા સ્તરે વહીવટી હોય છે. આ એક ગેઝેટેડ લેવલની પોસ્ટ છે. તેમનું કાર્ય ન્યાયિક અદાલતો અને જેલોનો સંપર્ક કરવાનું, ન્યાયિક મેજિસ્ટ્રેટ સાથે નિયમિત બેઠકો યોજવાનું અને ગ્રામ્ય સ્તરે પ્રાથમિક તપાસ કરવાનું છે.
