ફતેહપુર
ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં દહેજના લોભીયાઓએ એક વિવાહીત મહિલાને મારી મારીને પતાવી દીધી હતી. પિયરવાળાઓનો આરોપ છે કે, દહેજમાં ભેંસ અને એક સોનાની વીંટી તથા રોકડા રુપિયાની માગ પુરી કરી શક્યા નહીં તો, દીકરનીની હત્યા કરી લાશને ફાંસીએ લટકાવી દીધી હતી. પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરતા પતિ, સાસુ, જેઠ સહિત ચાર લોકો વિરુદ્ધ દહેજ હત્યાનો કેસ નોંધી તપાસ શરુ કરી દીધી છે. આ ઘટના જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા મમરેજપુર ગામની છે. મૃતકની માતાએ જણાવ્યું છે કે, તેમની દીકરી ઉષાના લગ્ન ૧૫ જૂન ૨૦૨૦ના રોજ મમરેજપુર ગામના રહેવાસી કમલેશ કુમાર સાથે થયા હતા. તેમણે પોતાની હેસિયત અનુસાર, દાન દહેજ આપીને દીકરીની વિદાય કરી હતી. લગ્નના થોડા દિવસ બાદ સાસરિયાવાળાઓએ ભેંસ, વીંટી અને રોકડની માગ કરવા લાગ્યા હતા. પિયર પક્ષની હાલત ઠીક નહીં હોવાના કારણે તેમની માગ પુરી કરી શક્યા નહીં. જેના કારણે દીકરીના સાસરિયાવાળાઓ રોજ તેની સાથે મારપીટ કરવા રહેતા. સવારે દીકરીએ મને ફોન કરીને જણાવ્યું કે, દારુના નશામાં પતિ દરરોજ મારે છે. સાસુ અને જેઠ પણ મારે છે. આ લોકો મને જાનથી મારી નાખશે. ફટાફટ મને અહીંથી લઈ જાવ. ત્યાર બાદ દીકરીનો ફોન કટ થઈ ગયો અને સાંજ સુધીમાં તો મોતના સમાચાર આવી ગયા. મૃતકની માતાનો આરોપ છે કે, સાસરિયાવાળાઓ દિકરીની હત્યા કરી લાશને ફાંસીએ લટકાવી દીધી. તો વળી પોલીસે મૃતકના પિતાની ફરિયાદ પર સાસુ, જેઠ સહિત ચાર લોકો વિરુદ્ધ દહેજ હત્યાનો કેસ કર્યો છે, જે અંતર્ગત પોલીસે તપાસ શરુ કરી છે.
