ઉતરપ્રદેશ
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૧૧ જિલ્લાની ૫૮ બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. જેમાં ૫૮ બેઠક પર મતદાન માટે ૧૦,૭૬૬ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. આ મતદાન વખતે ધ્યાન રાખવા માટે ૪૮ સામાન્ય નિરીક્ષક, ૮ પોલીસ નિરીક્ષક અને ૧૯ ખર્ચ નિરીક્ષક રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ૨૧૭૫ સેક્ટર મેજીસ્ટ્રેટ , ૨૮૪ ઝોનલ મેજીસ્ટ્રેટ , ૩૬૮ સ્ટેટિક મેજીસ્ટ્રેટ અને ૨૭૧૮ માઈક્રો ઓબ્ઝર્વર રાખવામાં આવ્યા છે. હાલમાં ૧૧ જીલ્લાની કુલ ૫૮ સીટો પર ચુંટણી યોજાઈ છે. જેમાં ૬૨૩ ઉમેદવારો મેદાનમાં છે. ઈલેક્શન વોચ એન્ડ એસોશિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ અનુસાર ૨૫ ટકા ઉમેદવારો અપરાધિક છાપ ધરાવે છે. રાજ્યમાં બીજેપી દ્વારા કુલ ૫૭ બેઠક પર ઉમેદવારો ચુંટણી લડશે. જેમાંથી ૨૯ ઉમેદવારો અપરાધિક છાપ ધરાવે છે. કોંગ્રેસના ૨૧ ઉમેદવારો સામે કેસ નોંધાયેલા છે. કરોડપતિ ઉમેદવારોની પણ સંખ્યા બીજેપીમાં સૌથી વધારે છે. કરોડપતિ ઉમેદવારોની બાબતમાં માયાવતીની પાર્ટી બીએસપી બીજા નંબર પર છે. વિધાનસભાની ચુંટણીમાં બીજેપી તરફથી મુઝફ્ફરનગરથી કપિલ દેવ અગ્રવાલ, સરધનાથી સંગીત સિંહ સોમ, ગાઝીયાબાદથી અતુલ ગર્ગ, નોઇડાથી પંકજ સિંહ, જેવરોથી ધીરેન્દ્ર સિંગ, શીકાપુરથી અનીલ શર્મા, અત્રોલીથી સંદીપ સિંહ, છટાથી ચૌધરી લક્ષ્મી નારાયણ સિંહ, મથુરાથી શ્રીકાંત શર્મા, આગ્રા ગ્રામ્યથી બેબી રાની મોર્ય, ફતેહપુર સીક્રીથી બબુલાલા ચૌધરી ઉમેદવાર છે. જયારે બીએસપીમાં ખરતૌલીથી કરતાર સિંહ ભડાના, ગાઝીયાબાદથી કૃષ્ણ કુમાર શુકલા, નોએડાથી કૃપારામ શર્મા, માંટથી શ્યામ સુંદર શર્મા ઉમેદવાર છે. કોંગ્રેસ તરફથી હસ્તિનાપુરથી અર્ચના ગૌતમ, ગાઝીયાબાદથી શુશાંત ગોયલ, નોઈડાથી પંખુડી પાઠક અને મથુરાથી પ્રદીપ માધુરી ઉમેદવાર છે. આરએલડી તરફથી લોનીમાં મદન ભૈયા, હપુળમાં ગજરાજ સિંહ, ઝેવરોમાં અવતાર સિંહ ભાડાના ચુંટણી લડશે. સપા તરફથી ચરથવલીથી પંકજ કુમાર માલિક અને ખતૌલીથી રાજપાલ સિંહ સૈની ઉમેદવાર છે.