અલીગઢ
ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક મુસ્લિમ પરિવાર સામે ફતવો જાહેર કરવામાં આવ્યો છે. રુબી આસિફ ખાન નામની મુસ્લિમ મહિલાએ તેના ઘરે ગણેશજી બેસાડ્યાં છે. તેને લઈને મૌલાનાએ રૂબી વિરોધી ફતવો જાહેર કર્યો છે. રુબીએ કહ્યું છે કે, ‘હું હિન્દુઓના દરેક તહેવારો ઉજવું છું અને આગળ પણ ઉજવતી રહીશ. તો બીજી તરફ ફતવો જાહેર કરનારી મુફ્તી અરશદ ફારૂકીએ કહ્યું હતું કે, ‘ઇસ્લામમાં માત્ર અલ્લાહની ઇબાદત કરવાનું જ કહ્યું છે.’ આ ઘટના અલીગઢના થાના રોરાવર વિસ્તારની છે. શહાજમાલની એડીએ કોલોનીમાં રહેતી ભારતીય જનતા પાર્ટીની મહિલા મોર્ચની જયગંજ મંડલ ઉપાધ્યક્ષ રુબી આસિફ ખાને પતિ આસિફ ખાન સાથે ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિને બજારમાંથી લાવી અને ઘરમાં સ્થાપી હતી. રુબી આસિફ ખાને કહ્યુ છે કે, ‘મેં મારા ઘરે સાત દિવસ માટે ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી છે અને હું કોઈ જાતિ ધર્મના ભેદભાવમાં નથી માનતી. હું બધા જ ધર્મના તહેવાર મનાવું છું. આ મારા મનની આસ્થા છે. મને આ બધું કરવું ગમે છે. પૂજા-અર્ચનાને લઈને મારી સામે પહેલાં પણ ઘણાં ફતવા બહાર પડી ગયા છે.’ રુબી આસિફ ખાને હિન્દુ દેવી-દેવતાઓની પૂજા યાચના કરવા મામલે વિવાદિત નિવેદન દેનારા સહારનપુરના મુફ્તી અરશદ ફારુકીને આડેહાથ લેતા કહ્યુ છે કે, ‘આ લોકો દેશના ભાગલા કરવા માગે છે. આવા મૌલવી ક્યારેય સાચા મુસલમાન ન હોય શકે, આ ઉગ્રવાદી અને જેહાદી છે. આ લોકો જ ભેદભાવ કરનારા છે. હિન્દુસ્તાનમાં રહીને હિન્દુસ્તાનની વાત કરતા નથી, આ લોકો જેહાદી છે. ફતવા બહાર પાડ્યા કરે છે. આ સાચા મુસલમાન હોત તો આવી વાતો ના કરતા.’ ઉલ્લેખનીય છે કે, મૌલાના અરશદ ફારુકીને સોશિયલ મીડિયાના માધ્યમથી સવાલ પૂછવામાં આવ્યો હતો કે, ઇસ્લામ મુસ્લિમ સમુદાયને ગણેશોત્સવ ઉજવવાની મંજૂરી આપે છે? તો તેના જવાબમાં મૌલાના અરશદ ફારુકીએ કહ્યુ હતુ કે, ભગવાન ગણેશ હિન્દુ ધર્મમાં અતિપૂજનીય છે. પરંતુ, જાે વાત ઇસ્લામની હોય તો ઇસ્લામ ધર્મમાં મૂર્તિપૂજા નથી થતી. જ્યારે ઇસ્લામ ધર્મમાં અલ્લાહ સિવાય અન્ય કોઈને પૂજવામાં નથી આવતા. તેમણે મુસ્લિમ સમુદાયના લોકોને ચેતવણી આપતા કહ્યુ હતુ કે, જે લોકો આવું કરે છે, તે બધા જ ઇસ્લામ વિરોધી છે. જે લોકો ઇસ્લામ વિરોધી જાય છે તેના માટે જે ફતવો જાહેર કરવામાં આવે તેવો જ ફતવો આવા લોકો માટે પણ જાહેર કરવામાં આવે છે.
