Uttar Pradesh

યુપીના આસારામ બાપુના આશ્રમમાં કારમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો

ગોંડા
ઉત્તર પ્રદેશના ગોંડા સ્થિત આસારામ બાપુના આશ્રમમાં પાર્ક કરેલી કારમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે અને ઘટનાસ્થળે ભારે ભીડ ઉમટી પડી છે. મૃતદેહ અંગેની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજાે મેળવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને મામલાની તપાસ શરૂ કરી છે. આ યુવતી પોતાના ઘરેથી ૪ દિવસ પહેલા ગુમ થઈ ગઈ હતી, જેની લાશ આસારામ બાપુના આશ્રમમાં ઘણા દિવસોથી પાર્ક કરેલી કારમાંથી મળી આવી હતી. કારની અંદરથી દુર્ગંધ આવતા આશ્રમના સ્ટાફે કાર ખોલી તો અંદરથી મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કાર સિવાય આખા આશ્રમને સીલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં હત્યા કર્યા બાદ મૃતદેહને છુપાવવાનો મામલો હોવાનું જણાય છે. ઘટના નગર કોતવાલી વિસ્તારના બિમૌર ગામમાં સ્થિત આસારામ બાપુના આશ્રમની છે, જ્યાં આ કાર છેલ્લા ઘણા દિવસોથી પાર્ક હતી. પોલીસે જણાવ્યું કે કારની અંદરથી દુર્ગંધ આવતા આશ્રમના ચોકીદારે જ્યારે કારનો દરવાજાે ખોલીને જાેયું તો પહેલા ચોંકી ગયો હતો અને અંદરનો નજારો ભયાનક હતો. કારની અંદર એક યુવતીનો મૃતદેહ જાેવા મળ્યો, ત્યારબાદ તેણે પોલીસને જાણ કરી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કાર અને આશ્રમને સીલ કરીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસ અને ફોરેન્સિક ટીમ આશ્રમ અને વાહનની તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *