બરેલી
ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લામાં ટ્રિપલ તલાકનો એક મામલો સામે આવ્યો છે. બે વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરનાર મહિલાને તેના પતિએ દહેજ ન મળવાના કારણે વોટ્સએપ પર ટ્રિપલ તલાક આપ્યા છે. જે પછી હવે પીડિત મહિલાએ બરેલીના એસએસપીને ન્યાય માટે અપીલ કરી છે. હાલમાં પોલીસ આ કેસમાં આરોપોની તપાસ કરી રહી છે અને તે કહે છે તે ટૂંક સમયમાં જ કાયદેસરની કાર્યવાહી કરશે. થાણા કિલ્લા વિસ્તારના મલુકપુર નીમ વાલી મસ્જિદની રહેવાસી અલીશા ખાનને પોતાની મરજીથી લગ્ન કરવાનું મોંઘું પડ્યું. આરોપ છે કે દહેજની માંગ પૂરી ન થતાં તેના પતિએ વોટ્સએપ પર મેસેજ કરીને તેને ટ્રિપલ તલાક આપી દીધો છે. અલીશા ખાનનો આરોપ છે કે તે લવ મેરેજ પછી તેના ઘરે જતી રહી હતી. જે બાદ તેમને વિદાય આપવામાં આવી ત્યારે પરિવારના સભ્યોએ બે લાખ રોકડા આપવા ઉપરાંત રૂ.૫ લાખનો ખર્ચ કર્યો હતો. અલીશા ખાનનો આરોપ છે કે જ્યારે દહેજના બધા પૈસા વપરાઈ ગયા તો સાસરીયાઓએ તેની પાસે વધુ રૂપિયાની માંગ કરવાની સાથે તેને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. આ હેરાનગતિથી કંટાળીને મહિલાએ તેના પિયરમાં સમગ્ર ઘટના જણાવી હતી. તે પછીથી તેના પિયરવાળા તેને ઘરે લઈને જતા રહ્યાં હતા. મંગળવારે રાતે તેના પતિએ તેને વોટ્સઅપ પર જ ટ્રિપલ તલાક આપી દીધા હતા. તે પછીથી મહિલાએ એસએસપી અખિલેશ ચૌરસિયાને આરોપીઓની વિરુદ્ધ કાર્યવાહી કરવા અરજી કરી છે.
