ચંપાવત(ઉત્તરાખંડ)
ઉત્તરાખંડના ચંપાવત જિલ્લામાં ગોઝારો અકસ્માત સર્જાયો છે. જિલ્લાના સૂખીઢાંગ-ડાંડા-મિનાર (એસડીએમ) રોડ પર આ અકસ્માત થયો. બૂડમ નજીક જાનનું એક વાહન ઊંડી ખાઈમાં ખાબકી ગયું. જેમાં સવાલ ૧૩માંથી ૧૧ લોકોના મોત થયા છે. કુમાઉ રેન્જના ડીઆઈજી નિલેશ આનંદે કહ્યું કે સૂખીઢાંગ રીઠા સાહિબ રોડ પર વાહન ખીણમાં ખાબક્યું જેના કારણે ૧૧ લોકોના મોત થયા. ઘટનાની સૂચના મળતા જ પોલીસ અને બચાવ દળ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ અભિયાન શરૂ કરી દીધુ. ઊંડી ખીણ અને અંધારું હોવાના કારણે મૃતદેહોને શોધવામાં અને રસ્તા સુધી પહોંચવામાં ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ઝી ન્યૂઝને મળેલી જાણકારી મુજબ સોમવારે ડાંડા કનકનઈ વિસ્તારથી એક જાન ટનકપુરની એક ધર્મશાળામાં ગઈ હતી. રાતે જ વાહન કેટલાક જાનૈયાઓને લઈને પાછું ફરી રહ્યું હતું ત્યાં તે બૂડમ પાસે ઊંડી ખીણમાં પડ્યું. આ અકસ્માત રાતે લગભગ ૧૨ વાગ્યાની આસપાસ થયો હતો. અકસ્માત બાદ ડ્રાઈવર અને એક વ્યક્તિ યેનકેન પ્રકારે રોડ સુધી પહોંચવામાં સફળ રહ્યા. આ બે ઘાયલોએ જ આસપાસના ગ્રામીણોને અકસ્માતની જાણકારી આપી. ત્યારબાદ પોલીસને દુર્ઘટનાની જાણકારી અપાઈ. પોલીસને લગભગ ૩ વાગે આ અકસ્માતની જાણકારી મળી. સૂચના મળતા જ બચાવ ટુકડી અને પોલીસકર્મી ઘટનાસ્થળે રવાના થઈ ગયા. એસપી દેનેન્દ્ર પીંચાએ જણાવ્યું કે પ્રાથમિક સૂચનાના આધારે આ વાહનમાં ડ્રાઈવર સહિત કુલ ૧૩ લોકો સવાર હતા. ઘાયલ ડ્રાઈવરને લોહાઘાટ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જ્યારે ઘાયલ ગ્રામીણ પોતાના ગામ પહોંચી ગયો હતો. તેને ત્યાંથી ટનકપુર હોસ્પિટલ લઈ જવાયો. પોલીસ ટીમ તથા બચાવ ટુકડીએ ઊંડી ખીણમાંથી ખુબ જદ્દોજહેમત બાદ મૃતદેહોને બહાર કાઢ્યા.
