કોલકતા
તૃણમૂલ કોંગ્રેસએ ગુજરાત પોલીસ દ્વારા કેટલાક મુસ્લિમ પુરુષોને કથિત જાહેરમાં માર મારવા અંગે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં ફરિયાદ દાખલ કરી છે. પાર્ટીના પ્રવક્તાએ શુક્રવારે આ જાણકારી આપી. ટીએમસીના પ્રવક્તા સાકેત ગોખલેએ કહ્યું કે તે ‘શરમજનક’ છે કે એનએચઆરસીએ આ મામલાની જાતે જ નોંધ લીધી નથી. આ અઠવાડિયાની શરૂઆતમાં, મુસ્લિમ સમુદાયના સભ્યોએ ગુજરાતના ખેડા જિલ્લાના ઉંધેલા ગામના સ્થળ પર મસ્જિદ પાસે ગરબા યોજવાનો વિરોધ કરતી વખતે પથ્થરમારો કર્યો હતો. આ પછી પોલીસ દ્વારા જાહેરમાં કેટલાક યુવકોને કથિત રીતે માર મારવામાં આવ્યો હતો. ઘટનાના કથિત વીડિયોમાં, પથ્થરમારો માટે ધરપકડ કરાયેલા ત્રણ માણસોને પોલીસ દ્વારા ઇલેક્ટ્રિક પોલ સાથે બાંધીને પછી લાકડીઓથી મારવામાં આવતો જાેઈ શકાય છે. ગોખલેએ ટ્વીટ કર્યું કે શરમજનક બાબત છે કે રાષ્ટ્રીય માનવાધિકાર પંચએ ગુજરાતમાં પોલીસ દ્વારા મુસ્લિમ યુવાનોને જાહેરમાં માર મારવાની ઘટનાની જાતે નોંધ લીધી નથી. તેમની પાસે ‘કોઈએ ફરિયાદ કરી નથી’ એવું બહાનું ન હોવું જાેઈએ. તો આજે ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસે એનએચઆરસીમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. ગોખલેએ ફરિયાદની નકલ પણ શેર કરી હતી. દરમિયાન, લઘુમતી સંકલન સમિતિના સંયોજક મુજાહિદ નફીસે આ મામલે રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને કાનૂની નોટિસ મોકલી છે. આ કેસમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, મહિલાઓ સહિત લગભગ ૧૫૦ લોકોના ટોળાએ ગરબા કરી રહેલા લોકો પર પથ્થરમારો કર્યો હતો. જેમાંથી ૪૫ લોકોની ઓળખ કરવામાં આવી છે.
