પશ્ચિમબંગાળ
પશ્ચિમ બંગાળમાં ઈડીની કાર્યવાહી ચાલુ છે. આ ક્રમમાં હવે મોબાઈલ ગેમિંગ એપના માધ્યમથી ઠગાઈ અને મની લોન્ડ્રિંગ સાથે જાેડાયેલા મામલામાં ઈડીએ કોલકાતામાં વિવિધ ૬ જગ્યાઓ પર કલાકો સુધી રેડ કરી છે. આ દરમિયાન ગાર્ડેનરીચ વિસ્તારમાં નિસાર અહમદ ખાન નામના એક ટ્રાન્સપોર્ટરના ઘરેથી ૧૭ કરોડ ૩૨ લાખ રૂપિયાની કેશ જપ્ત કરવામાં આવી છે. બંગાળમાં ઈડીની રેડ સતત ચાલી રહી છે. નિસારના પુત્ર આમિર ખાન પર મોબાઈલ ગેમિંગ એપ દ્વારા ઠગાઈ કરવાનો આરોપ છે. આ મામલામાં આરોપી આમિર ખાન ફરાર છે. તેના ભાઈની ધરપકડ કર્યા પછી હાલ પૂછપરછ ચાલ રહી છે. બિઝનેસમેનના મકાનના પહેલા માળના બેડરૂમમાં પલંગની નીચે પ્લાસ્ટિકના પેકેટમાં પેક કરીને બેગમાં રૂપિયા મુકવામાં આવ્યા હતા. તેમાં મોટાભાગના ૫૦૦ અને ૨૦૦ રૂપિયાની નોટના બંડલ છે. નોટની સંખ્યા એટલી છે કે ગણવા માટે બેન્કમાંથી નવ મશીનો મંગાવવામાં આવ્યા હતા. ગાર્ડેનરીચ સિવાય પાર્ક સ્ટ્રીટ, મેકલિયોડ સ્ટ્રીટ અને મોમિનપુર સહિત ઘણી જગ્યાઓ પર ઈડની કલાકો સુધી રેડ ચાલી હતી. આ મામલામાં ફેડરલ બેન્ક દ્વારા શહેરની કોર્ટમાં કરવામાં આવેલી ફરિયાદના આધારે ચીફ મેજિસ્ટ્રેટેના નિર્દેશ પર મુખ્ય આરોપી આમિર ખાન અને અન્યની વિરુદ્ધ કોલકાતા પોલીસે પાર્ક સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ગત વર્ષે ૧૫ ફેબ્રુઆરીએ કેસ નોંધ્યો હતો. એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આમિરે ઓનલાઈન ઠગાઈ માટે ઈ-નેગેટ્સ નામની એક મોબાઈલ ગેમ એપ લોન્ચ કરી હતી. પ્રારંભિક ધોરણે એપ યુઝર્સને રિવોર્ડ આપવામાં આવ્યો હતો અને વોલેટમાં બાકીની રકમને સીધી જ ઉપાડવાની અનુમતિ હતી. શરૂમાં લોકોનો ભરોસો જીત્યા પછી વધુ કમીશનની લાલચ આપવામાં આવી હતી. તેના પગલે મોટી સંખ્યામાં યુઝર્સે રોકાણ કર્યું. એવો આરોપ છે કે લોકો પાસેથી સારી એવી રકમ લીધા પછીથી અચાનક જ આ એપને સિસ્ટમ અપગ્રેડેશનનું બહાનું બનાવીને બંધ કરી દેવામાં આવી હતી. તે પછીથી પ્રોફાઈલની માહિતી સહિતના ડેટાને એપના સર્વર પરથી હટાવી દેવામાં આવ્યો છે. તે પછીથી યુઝર્સને ચાલ સમજાઈ ગઈ. તપાસમાં ઈડીને માહિતી મળી છે કે ઉપરોક્ત સંસ્થા નકલી ખાતાઓનો ઉપયોગ કરી રહી હતી.
