West Bengal

મમતા વિરુદ્ધ ભાજપનું પ્રદર્શન બન્યું હિંસક, પોલીસની ગાડીમાં આગ, પથ્થરમારો થયો

કોલકત્તા
પશ્ચિમ બંગાળમાં મમતા સરકાર વિરુદ્ધ સચિવાલય ચલોનો નારો આપનારી ભારતીય જનતા પાર્ટીએ રાજધાની કોલકત્તામાં જાેરદાર પ્રદર્શન કર્યું છે. કોલકત્તામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે અને પોલીસે તેમને સચિવાલય જતા રોકવા માટે બેરિકેડિંગ કર્યું છે. તેનો વિરોધ કરતા ભાજપના કાર્યકર્તાઓ ઉગ્ર થઈ ગયા અને અંતમાં મામલો પથ્થરમારા સુધી પહોંચી ગયો. બડા બાજાર પોલીસ સ્ટેશનમાં પોલીસની ગાડીને પણ આગના હવાલે કરી દેવાના સમાચાર છે. તેના જવાબમાં પોલીસે ટિયર ગેસના સેલ અને પાણીનો મારો ચલાવ્યો હતો. કોલકત્તા સિવાય પણ બંગાળના અન્ય જિલ્લામાં ભાજપ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. મમતા સરકારમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગતા ભાજપ રસ્તા પર ઉતર્યું છે. એટલું જ નહીં હજારોની સંખ્યામાં રાજ્યભરમાંથી કાર્યકર્તાઓ કોલકત્તા પહોંચી રહ્યાં છે. પાનાગઢ રેલવે સ્ટેશન પર ૪ ભાજપ કાર્યકર્તાઓની પોલીસે ધરપકડ કરી છે. ભાજપના કાર્યકર્તાઓનો આરોપ છે કે તેને આંદોલન કરતા રોકવામાં આવી રહ્યાં છે. ભાજપના નાબન્ના માર્ચ માટે નિકળેલા કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. ખુદ શુભેંદુ અધિકારી પણ પોલીસ કસ્ટડીમાં છે. પોલીસે રેલવે સ્ટેશનો બહાર પણ બેરિકેડિંગ કર્યું છે, જેથી કોલકત્તા આવનારા કાર્યકર્તાઓને આગળ વધતા રોકી શકાય. રાનીગંજ રેલવે સ્ટેશન બહાર ભાજપના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું છે. હાવડામાં પણ માહોલ ગરમ છે અને ભાજપના કાર્યકર્તાઓએ કેટલાક સ્થળો પર પથ્થરમારો કર્યો છે. ભાજપ નેતા અભિજીત દત્તાએ કહ્યુ કે પાર્ટીના ૨૦ નેતાઓને દુર્ગાપુર રેલવે સ્ટેશનની પાસે પોલીસે રોક્યા છે. તેમણે કહ્યું કે પોલીસ અમને રોકી રહી છે, પરંતુ અમે અલગ-અલગ રસ્તાનો ઉપયોગ કરી નિકળી રહ્યાં છીએ. ભાજપના પ્રદેશભરના કાર્યકર્તાઓએ કોલકત્તા જવા માટે ૭ ટ્રેનોમાં બુકિંગ કર્યું હતું. નોંધનીય છે કે બંગાળ પોલીસે સોમવારે રાતથી સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી રાખી છે. દરેક ચેક પોસ્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ટીએમસીનું કહેવું છે કે ભાજપે પૈસા આપીને લોકોને કોલકત્તા બોલાવ્યા છે અને વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે બંગાળ ભાજપે ટ્‌વીટ કરી કહ્યું- પોલીસની ક્રૂરતાને નજરઅંદાજ કરતા અને પાણીના મારા વચ્ચે ભાજપના કાર્યકર્તાઓ કોલકત્તાના રસ્તા પર ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઉભા છે. હાલ પોલીસ અને પ્રદર્શનકારીઓમાંથી કોઈ પાછળ હટવા તૈયાર નથી. પોલીસનો દાવો છે કે કેટલાક લોકોને પથ્થરમારામાં ઈજા થઈ છે.

File-01-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *