કોલકતા
કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીની પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં એક કાર્યક્રમ દરમિયાન અચાનક તબિયત બગડી ગઈ. એવું કહેવાઈ રહ્યું છે કે ગડકરી કાર્યક્રમ મંચ પાસે એક રૂમમાં ચા પી રહ્યા હતા. ત્યારે અચાનક તેમની તબિયત બગડી. નેઓટિયા હોસ્પિટલના જાણીતા ડોક્ટર પી બી ભુટિયા પોતે ગડકરીની દેખરેખ રાખી રહ્યા છે. સિલિગુડીના માટીગારામાં ભાજપના સાંસદ રાજૂ બિસ્ટાના ઘરે ત્રણ ડોક્ટરોની ટીમ નીતિન ગડકરીની સારવારમાં છે. એવું કહેવાય છે કે તેઓ હવે સારું મહેસૂસ કરી રહ્યા છે અને જલદી તેમને દિલ્હી લઈ જવામાં આવી શકે છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની તબિયત આ અગાઉ પણ અનેક કાર્યક્રમો દરમિયાન બગડી ચૂકી છે. અગાઉ સપ્ટેમ્બર ૨૦૧૮માં અહેમદનગરના એક કાર્યક્રમ દરમિયાન તેઓ બેભાન થઈ ગયા હતા. આ ઉપરાંત ગડકરી એપ્રિલ ૨૦૧૦માં એક કાર્યક્રમમાં દિલ્હીના જંતર મંતર પર ચક્કર ખાઈને પડ્યા હતા. નીતિન ગડકરી ડાયાબિટિસના દર્દી છે અને વજન ઓછું કરાવવા માટે સર્જરી પણ કરાવેલી છે. સપ્ટેમ્બર ૨૦૧૧માં મુંબઈની એક હોસ્પિટલમાં નીતિન ગડકરીએ વજન ઓછું કરાવવા તથા ડાયાબિટિસને કંટ્રોલ કરવા માટે બેરિયાટ્રિક સર્જરી કરાવી હતી. અત્રે જણાવવાનું કે વજન ઓછું કરવા માટે આ સર્જરી કરાવવામાં આવે છે.