કેનેડા
કેનેડામાં પણ ચોરો સક્રિય થયા છે અને તેમાં પણ હિન્દુ મંદિરોમાં ચોરોએ પોતાનો ટાર્ગેટ બનાવ્યો છે. કેનેડાના ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં વીતેલા દશેક દિવસમાં અડધો ડઝન જેટલાં મંદિરોમાં મંદિરોમાં તોડફોડ કરીને ચોરી અને લૂંટની ઘટના નોંધાતા પૂજારી અને ભક્તો ભયભીત છે. મંદિરોને નિશાન બનાવવાની શરૂઆત ૧૫ જાન્યુઆરીના રોજ થઇ હતી. તે દિવસે બ્રામ્પટન જીટીએ ટાઉન ખાતે હનુમાનજીના મંદિરને તોડવા નિષ્ફળ પ્રયાસ થયો હતો. તોફાની તે પછી મંદિરોમાં તોડફોડ કરી રહ્યા છે. ૨૫ જાન્યુઆરીના રોજ માં આ જ વિસ્તારમાં મા ચિંતપૂર્ણી મંદિરને તોડીને પ્રવેશ થયો હતો. તે પછી ગૌરીશંકર મંદિર અને જગન્નાથ મંદિરમાં પણ આવી જ ઘટના નોંધાઇ હતી. તે પછી મિસિસાઉગા ખાતેના હિંદુ હેરિટેજ સેન્ટર અને હેમિલ્ટન સમાજ મંદિરે પણ આવી ઘટના બની હતી. મિસિસાઉગા ખાતેના હિંદુ હેરિટેજ સેન્ટર ખાતે ૩૦ જાન્યુઆરીના રોજ આવી ઘટના નોંધાઇ હતી. અહીં બે વ્યક્તિએ પ્રવેશ કરીને દાનપેટીને તોડી અને મુખ્ય કાર્યાલયમાં તોડફોડ કરી હતી. આ ઘટનાઓને પગલે મંદિરના પૂજારી અને ભક્તોમાં ભયની લાગણી પ્રવર્તી રહી છે. ઘટનાઓની સિક્યુરિટી કેમેરા તસવીરો દર્શાવે છે કે કોઇક બે માસ્કધારી વ્યક્તિ આ ઘટના સાથે સંકળાયેલી છે તેઓ રાતે ૨ થી ૩ના સુમાર વચ્ચે મંદિરમાં પ્રવેશ્યા હતા. રાતે લાંબો સમય રોકાયા હતા. દાનપેટીમાં રોકડ અને દેવી-દેવતાને ચઢતા આભૂષણો શોધતા રહ્યા હતા. પોલીસ પણ એ વાતને સમર્થન આપી રહી છે કે બે માસ્કધારી પરોઢિયે દરેક મંદિરોમાં ઘૂસ્યા હતા. મંદિરોએ જાતે જ પોતાની સુરક્ષા વધારી દીધી છે. સ્વયંસેવકો રાતે ચોકી કરવા લાગ્યા છે. મંદિરો આસપાસ પેટ્રોલિંગ વધારવા પોલીસ પણ સહમત થઇ છે. વિસ્તારમાં આવેલા મંદિરોમાં તોડફોડ કરીને ચોરી-લૂંટફાટ કરવાની ઘટના બનતાં ભક્તો અને પૂજારીઓ ભયભીત છે.
