ફિલિપાઈન્સ
હાલમાં વિશ્વના ઘણા દેશોમાં ભૂકંપના આંચકા અનુભવી રહ્યા છે. બે દિવસ પહેલા જ ગુરુવારે અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં ૪.૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એના આગળના દિવસે એટલે કે બુધવારે જ ઇન્ડોનેશિયાના સેરામમાં પણ ૫.૫ની તીવ્રતાના ભૂકંપે ધરા ધ્રુજાવી હતી. એ જ દિવસે તાજિકિસ્તાનમાં પણ ૪.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ગયા સોમવારે પશ્ચિમ અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા ૨૬ લોકો માર્યા ગયા હતા. પશ્ચિમી પ્રાંત બડગીસના કાદિસ જિલ્લામાં રહેણાંક મકાનોની છત ધરાશાયી થતાં લોકોના મોત થયા હતા. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપની તીવ્રતા ૫.૩ હતી. આ ભૂકંપમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે, જેમાં ઘણી મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.યુએસ જીઓલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર, શનિવારે ૦૨ઃ૨૬ઃ૧૩ ય્સ્ પર ફિલિપાઈન્સના સરંગાનીથી ૨૩૧ કિમી દક્ષિણ પૂર્વમાં ૬.૦ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું એપી સેન્ટર ૨૩.૯૯ કિમીની ઊંડાઈએ, ૩.૬૯૫૧ ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને ૧૨૬.૬૭૪૭ ડિગ્રી પૂર્વ રેખાંશ પર હોવાનું જણાવવામાં આવ્યું હતું. ભૂકંપ બાદ હજુ સુધી સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. સાથે જ હજુ સુધી કોઈ પણ પ્રકારના જાનમાલના નુકસાનની કોઈ માહિતી પ્રાપ્ત નથી થઈ.


