દુબઈ
ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા દુર્ભાગ્યપૂર્ણ રીતે એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે. રવિન્દ્ગ જાડેજાને જમણા ઘૂંટણમાં ઈજા થઈ હોવાથી તે ટૂર્નામેન્ટમાં બાકીની મેચોમાં નહીં રમી શકે. ભારતીય ટીમ એશિયા કપ ટી૨૦ ટૂર્નામેન્ટમાં સુપર ફોરમાં પહોંચી છે ત્યારે ઓલ રાઉન્ડર જાડેજા ટીમનો હિસ્સો નહીં રહેતા ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડ્યો છે. જાડેજાના સ્થાને અક્ષર પટેલને ટીમમાં લેવાયો છે. ભારતીય ટીમ રવિવારે સુપર ફોર મુકાબલો રમશે. રવિન્દ્ર જાડેજા હાલમાં બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ હોવાનું બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું. જાડેજાના સ્થાને ડાબોડી સ્પિનર અક્ષર પટેલને ટીમમાં સામેલ કરાયો છે જે ડાબોડી બેટ્સમેન પણ છે અને ટી૨૦માં બેટિંગ માટે નિષ્ણાત છે. રવિન્દ્ર જાડેજાએ પાકિસ્તાન સામેના એશિયા કપના પ્રારંભિક મુકાબલામાં ૨૯ બોલમાં ૩૫ રન કરીને ટીમ માટે જીતનો પાયો નાંખ્યો હતો. હોંગકોંગ સામેની બીજી મેચમાં સૌરાષ્ટ્રના ઓલરાઉન્ડર જાડેજાએ બેટિંગ કરી નહતી પરંતુ બોલિંગમાં તેણે ૧૫ રન આપીને એક વિકેટ ઝડપી હતી. બોર્ડે નિવેદનમાં જણાવ્યું હતું કે, ઓલ ઈન્ડિયા સીનિયર સિલેક્શન કમિટીએ વર્તમાન એશિયા કપમાં જાડેજાને બદલે અક્ષર પટેલને ટીમમાં લેવાનો ર્નિણય કર્યો છે. અક્ષર પટેલને એશિયા કપના સ્ટેન્ડ બાય ખેલાડી તરીકે અગાઉથી રાખવામાં આવ્યો હતો. અક્ષર ટૂંક સમયમાં ટીમ સાથે દુબઈમાં જાેડાશે.

