અમેરિકા
અમેરિકામાં મોંઘવારી ૪૦ વર્ષની ટોચે છે. અમેરિકામાં છેલ્લા એક વર્ષમાં મોંઘવારી દર ૭.૫ ટકા વધ્યો છે. છેલ્લા એક વર્ષમાં મોંઘવારી ચાર દાયકાના સર્વોચ્ચ દરથી વધીને રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. વધતી જતી મોંઘવારીને કારણે અમેરિકાના ગ્રાહકોની ચિંતાઓ ઘણી વધી ગઈ છે. જે લોકોનો પગાર થોડો વધ્યો પણ છે, તો મોંઘવારીએ બધું બરબાદ કરી દીધું છે. દેશમાં મોંઘવારી ફેડરલ રિઝર્વના ર્નિણયને અર્થતંત્રમાં ધિરાણ દરોમાં વધારો કરવા માટે દબાણ કરી રહી છે. ૧૨ મહિના પહેલાની સરખામણીએ ગયા મહિને ગ્રાહક ભાવમાં ૭.૫% વધારો થયો છે, જે ફેબ્રુઆરી ૧૯૮૨ પછી વાર્ષિક ધોરણે સૌથી વધુ વધારો છે. પુરવઠાની અછત, મજૂરોની અછત, અત્યંત નીચા વ્યાજ દરો અને મજબૂત ગ્રાહક ખર્ચ આ બધું છેલ્લા એક વર્ષમાં ફુગાવાને વેગ આપવા માટે સંયુક્ત રીતે જવાબદાર છે. મોંઘવારી વધવાથી અમેરિકી અર્થવ્યવસ્થા પર ખરાબ અસર થવાની શક્યતા છે. ફુગાવાનો દર ક્યારે ઘટશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ સંકેત નથી. વધતી કિંમતોને કારણે, ઘણા અમેરિકનોને ખોરાક, ગેસ, ભાડું, બાળકોની સંભાળ અને અન્ય જરૂરિયાતોને પહોંચી વળવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ફુગાવો અમેરિકાના અર્થતંત્ર માટે સૌથી મોટા જાેખમી પરિબળ તરીકે ઉભરી આવ્યો છે. ઘણા નાના ઉદ્યોગો, જેઓ સામાન્ય રીતે મોટી કંપનીઓ કરતા ઓછા નફાનું માર્જિન રાખતા હોય છે, અને તેઓ તેમના જંગી પગાર વધારાને કારણે સંઘર્ષ કરી રહ્યા હોય તેવું દેખાય છે. તેઓ ભાવ પણ વધારી રહ્યા છે. એક ટ્રેડ ગ્રુપ નેશનલ ફેડરેશન ફોર ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસે માસિક સર્વેક્ષણમાં જણાવ્યું હતું કે ૬૧ ટકા નાની કંપનીઓએ જાન્યુઆરીમાં તેમના ભાવ વધાર્યા હતા. જે ૧૯૭૪ પછીનો સૌથી મોટો રેશિયો છે. કોરોના મહામારી પહેલા તે માત્ર ૧૫ ટકા હતો. હાલમાં મોંઘવારી વધવાને કારણે સામાન્ય ગ્રાહકો પરેશાન છે, સરકાર માટે આને નિયંત્રણમાં રાખવું મોટો પડકાર છે.