International

આયર્લેન્ડ નવ વિકેટે જીત્યું, વીન્ડિઝ વર્લ્ડ કપમાંથી થયું બહાર

હોબાર્ટ
ટી૨૦ વર્લ્ડ ચેમ્પિયન બે વખતની બનેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમનો સામાન્ય ગણાતી આયર્લેન્ડની ટીમ સામે શુક્રવારે નવ વિકેટે શરમજનક પરાજય થયો હતો. વિન્ડિઝ ગ્રુપ તબક્કામાં સતત બીજી મેચ હારતા તેના ટી૨૦ વર્લ્ડ કપ અભિયાનનો અંત આવ્યો છે. આયર્લેન્ડ અંતિમ ગ્રુપ મેચમાં રેકોર્ડ નવ વિકેટે જીત મેળવીને સુપર ૧૨માં સ્થાન પાક્કું કર્યું હતું. વેસ્ટ ઈન્ડિઝની ટીમે ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૪૬ રન કર્યા હતા. જવાબમાં આયર્લેન્ડની ટીમે ૧૭.૩ ઓવરમાં એક જ વિકેટ ગુમાવીને ૧૫૦ રન કરી મેચ પોતાના નામે કરી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વિન્ડિઝની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ત્રીજી જ ઓવરમાં માયર્સ (૧)ની વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ પાંચમી ઓવરમાં ગત મેચના હીરો ચાર્લ્સ ફક્ત ૨૪ રન કરી પેવેલિયન પરત ફર્યો હતો. આયર્લેન્ડે પહેલા બોલિંગ અને બાદમાં બેટિંગમાં નોંધપાત્ર દેખાવ કર્યો હતો. ઝડપથી રન કરવાની વેસ્ટ ઈન્ડિઝની રણનીતિ ઊંઘી પડી હતી અને ૧૧૨ રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ બ્રેન્ડન કિંગે એક છેડો સંભાળ્યો હતો અને ૪૮ બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગાના સહારે ૬૨ રનની અણનમ ઈનિંગ રમી સન્માનજનક સ્કોર સુધી લઈ ગયો હતો. સ્મિથ ૧૨ બોલમાં ૧૯ રન કરીને નોટ આઉટ રહ્યો હતો. આયર્લેન્ડ તરફથી ડેલાનીએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. ૧૪૭ રનના લક્ષ્યાકનો પીછો કરવા ઉતરેલી આયર્લેન્ડની ટીમે શરૂઆતથી જ આક્રમકતા દર્શાવી હતી. પૌલ સ્ટિર્લિંગ અને કેપ્ટન બાલબિર્નીએ ૭.૩ ઓવરમાં ૭૩ રન ફટકાર્યા હતા. ત્યારબાદ કેપ્ટન બાલબિર્ની ૩૭ રને આઉટ થતાં લોરકન ટકર (૪૫*) ત્રીજા ક્રમે બેટિંગમાં આવ્યો હતો. બન્નેએ ધમાકેદાર બેટિંગનું પ્રદર્શન કરતા બીજી વિકેટ માટે ૭૭ રનની અજેય ભાગીદારી નોંધાવી હતી. વેસ્ટ ઈન્ડિઝના બોલર અકીલ હુસૈન એકમાત્ર વિકેટ લઈ શક્યો હતો. અગાઉ વિન્ડિઝની ટીમનો સ્કોટલેન્ડ સામે ૪૨ રને પરાજય થયો હતો. વિન્ડિઝની ટીમને શીમરન હેતમાયર અને આન્દ્રે રસેલની ખોટ વર્તાઈ હતી. બે વખતની વિશ્વ ચેમ્પિયન રહેલી કેરેબિયન ટીમ ગ્રુપ સ્ટેજમાં જ બહાર થઈ જતા મોટો અપસેટ સર્જાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *