બાંગ્લાદેશ
બાંગ્લાદેશમાં ઔપનિવેશિક કાળના હિન્દુ મંદિરમાં એક દેવતાની મૂર્તિને કેટલાક અજાણ્યા લોકોએ ખંડિત કરી નાખી. ત્યારબાદ પોલીસે આરોપીઓની શોધ માટે મોટા પાયે અભિયાન શરૂ કર્યું છે. સ્થાનિક પોલીસ અધિકારીઓએ આ જાણકારી મીડિયા સાથે શેર કરી. ન્યૂઝ પોર્ટલ ‘બીડીન્યૂઝ ડોટ કોમ’ એ મંદિર સમિતિના અધ્યક્ષ સુકુમાર કુંડાના હવાલે કહ્યું કે ‘બાંગ્લાદેશના ઝેનાઈદાહ જિલ્લાના દૌતિયા ગામમાં કાળી મંદિરમાં અધિકારીઓને ખંડિત મૂર્તિના ટુકડા મળ્યા. મૂર્તિનો ઉપરનો ભાગ મંદિર પરિસરથી અડધો કિલોમીટર દૂર રસ્તા પર પડ્યો હતો.’ કુંડાએ કહ્યું કે કાળી મંદિર ઔપનિવેશિક કાળથી જ હિન્દુઓનું પૂજા સ્થળ રહ્યું છે. આ ઘટના બાંગ્લાદેશમાં ૧૦ દિવસના વાર્ષિક દુર્ગા પૂજા ઉત્સવની સમાપ્તિ થયાના ગણતરીના કલાકોમાં ઘટી. બાંગ્લાદેશ પૂજા ઉત્સવ પરિષદના મહાસચિવ ચંદનાથ પોદ્દારે કહ્યું કે આ દુઃખદ ઘટના રાતે ઝેનાઈદાહના મંદિરમાં ઘટી. ઢાકા યુનિવર્સિટીના પ્રોફેસર પોદ્દારે તેને દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગણાવતા કહ્યું કે આ એક ઘટનાને બાદ કરતા સમગ્ર દેશમાં દસ દિવસના ઉત્સવમાં કોઈ વિધ્ન આવ્યું નથી. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉત્સવ ખુબ શાંતિપૂર્ણ રીતે ઉજવાયો. ગત વર્ષે દુર્ગા પૂજા ઉત્સવ દરમિયાન થયેલા સાંપ્રદાયિક સંઘર્ષો તથા ઝપાઝપીમાં ઓછામાં ઓછા ૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. બાંગ્લાદેશની લગભગ ૧૬ કરોડ ૯૦ લાખની વસ્તીમાં ૧૦ ટકા જેટલા હિન્દુઓ છે. ઝેનાઈદાહ પોલીસના સહાયક અધીક્ષક અમિત કુમાર બર્મને કહ્યું કે મામલો નોંધી લેવાયો છે અને સંદિગ્ધોની શોધખોળ ચાલુ છે. નોંધનીય છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર અને મંદિરોમાં તોડફોડના મામલા અવારનવાર સામે આવતા હોય છે. અનેક મામલાઓમાં આરોપીઓની ધરપકડ પણ થાય છે અને આમ છતાં કટ્ટરપંથીઓમાં કાયદાનો જરાય ડર જાેવા મળતો નથી.
