ઇઝરાયલ
હમાસે વહેલી સવારે ઇઝરાયેલની દરિયાઈ સરહદની નજીક સેન્ટ્રલ પોઈન્ટ પર રોકેટ છોડ્યા હતા. જેમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા. આ પછી, ઇઝરાયેલના સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેને દેશ પર આતંકવાદી હુમલો માનવામાં આવી રહ્યો છે અને તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. જાે કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ હુમલાથી ઇઝરાયેલને કોઈ નુકસાન થયું છે કે કેમ. પરંતુ, હંમેશની જેમ, ઇઝરાયેલે જવાબ આપવાનું નક્કી કર્યું. ઇઝરાયેલના ફાઈટર જેટ્સે બપોરે ગાઝા પટ્ટી પર હુમલો કર્યો. ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં હમાસના તે બેઝને નિશાન બનાવ્યું જ્યાં રોકેટ બનાવવામાં આવે છે. ઇઝરાયેલની ઈન્ટેલિજન્સે થોડા દિવસો પહેલા સ્પષ્ટ કર્યું હતું કે હમાસ ગાઝા પટ્ટી વિસ્તારમાં મોટા પાયા પર રોકેટ બનાવી રહ્યું છે અને તેનો ઉપયોગ ઇઝરાયેલ વિરુદ્ધ કરવામાં આવશે. મે મહિનામાં ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે ૧૧ દિવસનું યુદ્ધ થયું હતું. આ દરમિયાન વિશ્વની મોટી તાકાતોએ હસ્તક્ષેપ કર્યો અને કોઈક રીતે મોટું યુદ્ધ ટળી ગયું. આ પછી સપ્ટેમ્બરમાં માત્ર એક જ વાર તણાવ વધ્યો, જ્યારે હમાસે ઇઝરાયેલ પર એક રોકેટ છોડ્યું. એ પણ મિસફાયર થઈ ગયું હતું. આ વખતે ઘણા રોકેટ છોડવામાં આવ્યા હતા અને ઇઝરાયેલે જવાબી કાર્યવાહી કરી હતી. ગયા અઠવાડિયે, ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન બેની ગેન્ટ્ઝ અને પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ અબ્બાસ વચ્ચે લાંબી વાતચીત થઈ હતી. જેમાં શાંતિ જાળવવા અંગે સમજૂતી થઈ હતી. પેલેસ્ટાઈનની સરકારની સમસ્યા એ છે કે તે હમાસને નિયંત્રિત કરવામાં અસમર્થ છે અને ઘણી વખત આખા પેલેસ્ટાઈનને તેનું નુકસાન સહન કરવું પડે છે.ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ફરી તણાવ વધી રહ્યો છે. ઇઝરાયેલનો આરોપ છે કે નવા વર્ષના પહેલા દિવસે હમાસે તેના રહેણાંક વિસ્તારો પર રોકેટથી હુમલા કર્યા હતા. થોડા જ કલાકો પછી, ઇઝરાયેલના ફાઇટર જેટ ગાઝા પટ્ટીની ઉપર ઉડી રહ્યા હતા. હમાસના કબજા હેઠળના વિસ્તારો પર બોમ્બ ફેંકવામાં આવ્યા. ગાઝા પટ્ટીમાં કેટલું નુકસાન થયું તે હજુ સ્પષ્ટ થયું નથી. જાે કે, ગાઝા પટ્ટી વિસ્તારમાં આગની જ્વાળાઓ સ્પષ્ટ દેખાઈ હતી. બંને પક્ષોએ હજુ સુધી આ અંગે કોઈ માહિતી આપી નથી.
